હોશિયાર અધિકારીઓ પાસે બમણા કામનું ભારણ
જામનગર, શહેરની જનતાની સુખાકારી માટે નિષ્ણાંત લોકોએ મહેનત કરીને મહાનગર પાલિકાની વ્યવસ્થા કરી અને તેમાં ભણેલા-ગણેલા અધિકારીઓને બેસાડ્યા. મહાનગર પાલિકાનો દરરજો ત્યારે મળે જ્યારે શહેરી જનતાની સંખ્યા વધારે હોય અને લોકોના પ્રાણ પ્રશ્નોને યોગ્ય ન્યાય મળે અને વધુ સુવિધાઓ મળે પરંતુ મહાનગર પાલિકામાં જેમની સહી વગર જ લોકોની માળખાકીય સુવિધાઓ અટકી પડે તો કોને કહેવું! આવા અણઘડ તંત્રના કાન આંબળવા માટે પ્રજાના પ્રતિનિધિ એટલે કે પત્રકારો દ્વારા અવાર નવાર લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ જવાબદાર અધિકારીઓ જ ન હોય તો પ્રશ્નો કોને કરવા, બોર્ડની મિટિંગોમાં કરોડો રૂપિયાના કામને મંજૂરી મળતી રહે છે પરંતુ આ કામ ચોક્કસ સમયે પૂરા કરવા માટે જે લાખ રૂપિયાનો પગાર અને એસી કારની સુવિધા મેળવતા અધિકારીઓ જ બેજવાબદાર હોય તો કોને કહેવું! જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ક્લાસ વન અધિકારીઓની એસી કેબીન ખાલી પડેલી જોવા મળે છે. તો જ્યાં અધિકારી છે તેની પાસે એક કરતાં વધારે વિભાગની કામગીરી છે. અન્ય વિભાગના કામનો અનુભવ અને આવડત ન હોવાથી સ્વાભાવિક છે કે છેલ્લે ભોળી જનતાને ધક્કા તો થવાના જ છે!
સમગ્ર મામલે જ્યારે ડે. કમિશનર ભાવેશ જાનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ વ્યસ્તતાને કારણે મળી શક્યા નહીં, તેમની વ્યસ્તતા પણ સ્વાભાવિક છે કારણ કે તેમની પાસે પણ અનેક શાખાનો ચાર્જ છે! જામનગર મહાનગર પાલિકાની કઠણાઇનો અંદાજે એ વાતથી લગાવી શકાય કે ખુદ જામનગર મહાનગર પાલિકાના કમિશનરનો હોદ્દો પર ક્લેક્ટર પાસે ચાર્જમાં હતો, હાલમાં જ તે જગ્યા પર ડી.એન. મોદીની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કેટલાક હોશિયાર અધિકારીઓ પાસે તો ત્રણથી ચાર વિભાગનો ચાર્જ હોય છે. હવે તમે જ વિચાર કરો કે આ મહાશય બધી જગ્યાએ કેવી રીતે પહોંચી શકતાં હશે. તો કેટલાક અધિકારીઓ તો મનમાં ને મનમાં મૂજાયા કરે છે કે જે કામનું તેમને જ્ઞાન નથી તેવી શાખાનો ચાર્જ સોંપવામાં આવતાં કામ કેમ કરવું ?
ક્યા ક્યા વિભાગ ઈન્ચાર્જમાં ચાલે છે ?
સોલીડ વેસ્ટ, સોલીડ વેસ્ટ એસ્ટા, એસ્ટેટ, આસિસ્ટ મ્યુનિસિપલ ટેક્સ, યુસીડી, પબ્લીક રિલેશન ઓફિસર, ટાઉન એન્ડ પ્લાનિંગ, ફાયર સ્ટેશન વર્કશોપ ઓફિસર.
શું કહે છે વિપક્ષ ?
આ મામલે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગર મહાનગર પાલિકા આખી ચાર્જમાં ચાલે છે. દરેક અધિકારી પાસે બેથી વધારે ચાર્જ છે. વધારે ચાર્જ હોવાથી લોકોના પ્રશ્નનો ઉકેલ આવતો નથી તો અધિકારી કેબિનમાં હોતા નથી. જામનગરની જનતા પોતાના પ્રશ્નો લઇને અમારી પાસે આવે છે. અમારી માગણી છે કે વહેલી તકે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે અને જામનગર કોર્પોરેશના ક્લાસવન અધિકારીઓને ચાર્જમાંથી મૂક્તિ આપવામાં આવે.
શું કહેવું છે મેયરનું ?
આ મામલે જ્યારે મેયર બીનાબેન કોઠારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું કે વર્ષ 2015માં સરકાર સમક્ષ ખાલી પડેલી જગ્યાઓ માટે રજૂઆત કરવામાં આવી હતી. ફરીથી જે જગ્યાઓ ખાલી છે તે માટેનું પ્રપોઝલ અમે તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં જ સરકારને મોકલીશું. હાલ કોન્ટ્રાક્ટબેઝ અને આઉટસોર્સના કર્મીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવામાં હજુ છ મહિના સુધીનો સમય લાગી શકે છે.