• બંધારણની કલમ 300-એ હેઠળ આપવામાં આવેલા સાત અધિકારોની પૂર્તતા થવી આવશ્યક

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, તંત્ર જમીન સંપાદન કરે તે પૂર્વે સાત જેટલી બાબતોને અવગણી જમીનના માલિકને તેના અધિકારોથી વંચિત રાખી શકે નહિ. સુપ્રીમ કોર્ટે આપેલા સાત મુદ્દાનું જમીન સંપાદન કરતી વેળાએ ચુસ્તપણે પાલન કરવું તેવી ટકોર કરી છે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1980 દ્વારા સંપાદિત જમીનના સંપાદનને ટાંકી ભારતીય બંધારણની કલમ 300એના સાત પેટા અધિકારોને સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કર્યા હતા. કલમ 300એ એ જોગવાઈ કરે છે કે કોઈપણ વ્યક્તિને કાયદાની સત્તા સિવાય તેની મિલકતથી વંચિત રાખવામાં આવશે નહીં.

ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, આ પેટા-અધિકારો કલમ 300એ હેઠળ મિલકતના અધિકારની વાસ્તવિક સામગ્રીને ચિહ્નિત કરે છે. જેનું પાલન ન કરવું એ કાયદાની સત્તા વિના હોવાના કારણે અધિકારના ઉલ્લંઘન સમાન ગણાશે. આ અવલોકન ન્યાયમૂર્તિ અરવિંદ કુમારનો સમાવેશ કરતી બેન્ચે કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે આપેલા સાત પેટા-અધિકારોની જો વાત કરબમાં આવે તો પ્રથમ સૂચનાનો અધિકાર એટલે કે તંત્રએ જમીનના માલિકને જાણ કરવાની કે તે તેની મિલકત તંત્ર હસ્તગત કરવા માંગે છે. બીજો મુદ્દો સાંભળવાનો અધિકાર છે એટલે કે માલિકને સંપાદન સામે વાંધો હોય તો તેમને સાંભળવાની રાજ્યની ફરજ છે. ત્રીજો મુદ્દો તર્કબદ્ધ નિર્ણય લેવાનો અધિકાર એટલે કે તંત્ર જમીન માલિકને તેના હસ્તગત કરવાના નિર્ણયની જાણ કરવાની રહેશે. ચોથો અધિકાર માત્ર જાહેર હેતુ માટે હસ્તગત કરવાની ફરજ એટલે કે રાજ્યની ફરજ એ દર્શાવવાની કે સંપાદન જાહેર હેતુ માટે છે. પાંચમો મુદ્દો પુન:સ્થાપન અથવા વાજબી વળતરનો અધિકાર એટલે કે પુન:સ્થાપન અને પુનર્વસન કરવાની ફરજ રાજ્ય સરકારની છે. છઠ્ઠો મુદ્દો કાર્યક્ષમ અને ઝડપી પ્રક્રિયાનો અધિકાર એટલે કે સંપાદનની પ્રક્રિયાને અસરકારક રીતે અને કાર્યવાહીની નિયત સમયમર્યાદામાં હાથ ધરવાની રાજ્યની ફરજ છે અને અંતિમ મુદ્દો નિષ્કર્ષનો અધિકાર એટલે કે વેસ્ટિંગ તરફ દોરી જતી કાર્યવાહીનું અંતિમ નિષ્કર્ષ તાત્કાલિક આવવું જોઈએ.

આ સાત અધિકારો કાયદાના પાયાના ઘટકો છે જે કલમ 300એ સાથે સુસંગત છે અને આમાંથી એક પણ અધિકારનું પાલન ન થાય તો જમીન માલિક સંપાદનની પ્રક્રિયાને અદાલતમાં પડકાર ફેંકી શકે છે તેવું કોર્ટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ સાત પેટા-અધિકારો પ્રક્રિયાઓ હોઈ શકે છે પરંતુ તે કલમ 300એ હેઠળ મિલકતના અધિકારની વાસ્તવિક સામગ્રીની રચના કરે છે. જો આ સાત અધિકારોનું પાલન ન થાય તો તે કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

વળતરની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા સુપ્રીમની તાકીદ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિની જમીન સંપાદન કરવામાં આવે છે તો કાયદા દ્વારા આપવામાં આવેલા સાતેય અધિકારોનું પાલન થવું જોઈએ. અદાલતે ટાંક્યુ છે કે, જમીન સંપાદનનું વળતર પણ સમયસર મળે તે ફરજ પણ રાજ્ય સરકારની છે અને આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે ટાંકેલા સાત પેટા અધિકારો

* સૂચનાનો અધિકાર: જમીનના માલિકને તેની મિલ્કત હસ્તગત કરવા અંગેની જાણ કરવી.

* સાંભળવાનો અધિકાર: સંપાદન સામે વાંધો સાંભળવાની ફરજ રાજ્ય સરકારની છે.

* તર્કબદ્ધ નિર્ણય લેવાનો અધિકાર: રાજ્ય સરકારે લીધેલો નિર્ણય તર્કબદ્ધ હોવો જોઈએ અને અંતિમ નિર્ણય અંગે મૂળ માલિકને જાણ કરવાની રહેશે

* માત્ર જાહેર હેતુ માટે હસ્તગત કરવાની ફરજ: રાજ્યની ફરજ એ દર્શાવવાની છે કે સંપાદન જાહેર હેતુ માટે છે.

* પુન:સ્થાપન અથવા વાજબી વળતરનો અધિકાર: પુન:સ્થાપન અને પુનર્વસન કરવાની રાજ્યની ફરજ છે.

* કાર્યક્ષમ અને ઝડપી પ્રક્રિયાનો અધિકાર: સંપાદનની પ્રક્રિયાને અસરકારક રીતે અને કાર્યવાહીની નિયત સમયમર્યાદામાં હાથ ધરવાની ફરજ પણ સંપાદનકર્તાની છે.

* નિષ્કર્ષનો અધિકાર: વળતર અથવા પુન:સ્થાપનનો નિષ્કર્ષ આવવો જરૂરી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.