નમૂના ફેઇલ જતા વેપારીઓને રૂ.1.85 લાખનો દંડ ફટકારાયો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય સામગ્રીના ચાર નમૂનાઓમાં ભેળસેળ જણાતા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે અને વેપારીઓને રૂ.1.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રામેશ્ર્વર વાડીની બાજુમાં હરિઘવા મેઇન રોડ પર પટેલ ચોકમાં હરિયોગી લાઇફ પફમાંથી લેવામાં આવેલા પફ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બટેટાનો મસાલાનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો આપનાર પેઢીના માલિક ગૌરવ પ્રકાશભાઇ રૂપારેલીયાને રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત બાલક હનુમાન પાસે ગોવિંદ બાગ શાક માર્કેટ રોડ પર આર્યનગર-1માં ભગવતી ફરસાણ એન્ડ સ્વિટ્સ માર્ટમાં તીખી પાપડીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પણ સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા પેઢીના સંચાલક ભાવેશ શામદભાઇ કારેણા અને દિલીપભાઇ શામદભાઇ કારેણાને અનુક્રમે રૂ.10 હજાર અને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મંગળા રોડ પર મનહરપ્લોટ-6/7માં રૂપકલા નોવેલ્ટી સ્ટોર્સમાંથી ભેંસના શુદ્વ ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં પરીક્ષણ દરમિયાન ફોરેન ફેટ એટલે કે વેજીટેબલ ઘી અને તલના તેલની હાજરી મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. નમૂનો આપનાર રસિકભાઇ સવસાણીને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેવડાવાડી મેઇન રોડ પર ગરબી ચોકમાં ક્રિષ્ના ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ભેંસના શુદ્વ ઘીના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. નમૂનો આપનાર કમલેશભાઇ હરજીવનભાઇ તન્નાને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા મંગળા રોડ, વિદ્યાનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચ વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.