વોર્ડ-૧૪
વિકાસનો પર્યાય: રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતની સુવિધાઓ
વિકાસના કાર્યો કરવાની જવાબદારી કોની?: પ્રજાનો સવાલ
પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ
છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર
નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી
શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.
વોર્ડ નં.૧૪ના લોકોએ જણાવ્યું હતું કે, રાજકોટના વિકાસની વાત કરીએ તો રાજકોટને છેલ્લા એક વર્ષમાં એઈમ્સ, નવું રેસકોર્ષ સહિતની અનેક ભેટો મળી છે. પરંતુ જે પ્રાથમિક પ્રશ્ર્નો કહી શકાય જેવા કે ગટર ઉભરાવી, ખુલ્લી ગટરો, પાણી ઓછું આવવુ, શેરીની સાફ સફાઈ જેવા પ્રશ્ર્નો છે. ખાસ આ અંગે મ્યુનિસિપાલીટીને જાણ પણ કરવામાં આવે છે. પરંતુ કોઈ જ નિકાલ આવતો નથી. અથવા તો સમય લાગી જાય છે. ઉપરાંત માં કાર્ડ, અમૃતમ કાર્ડ સહિતની જે ડોક્યુમેન્ટની પ્રોસેસ છે તે વોર્ડનં.૧૪માં સુવ્યવસ્થિત છે. જેથી સામાન્ય વ્યક્તિને દવાખાનાના ખર્ચાઓમાં સરળતા રહે. હાલ વોર્ડ નં.૧૪માં ભાજપના કોર્પોરેટરો છે. તેવોની કામગીરી અંગે એટલું જ કહેવું છે કે જે રીતે અલગ અલગ યોજનાઓમાં અમને લાભ તેવો અપાવે છે. તે જ રીતે રોડ, રસ્તા, પાણી અને ગટરના જે પ્રશ્ર્નો છે તેના માટે ત્વરીત ધોરણે નિકાલ થાય તેવા પગલાઓ લેવામાં આવે.
વિકાસશીલ વલણ એ જ અમારી કાર્ય પ્રણાલી: ભાજપ
વોર્ડ નં.૧૪માં તમામ કોર્પોરેટર ભાજપના છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ જે રીતે વિકાસ થકી ઓળખાય છે ત્યારે વિકાસની ગાડી ક્યારેય અટકશે નહીં. લોકોનાં પાણી પ્રશ્ર્નો હતા જે હવે ડી.આઈ. પાઈપ લાઈન થકી ઉકેલાશે. પાણી સહિતના તમામ પ્રશ્ર્નોનો નિકાલ કરવા માટે ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ખાસ તો નવું બસ સ્ટેશન નવું રેસકોર્ષ, સૌની યોજના અંતર્ગત પાણી સહિતના અનેક સુવિધાઓ મળતા જનતાને હવે મુશ્કેલીઓ નહીં પડે. સાથો સાથ ગાંધી મ્યુઝિયમ અને ઝુ માં પણ વિકાસ થયો છે. ગાંધી મ્યુઝિયમ હાલ વિશ્ર્વ વિખ્યાત બન્યું છે. વિદેશીઓ પણ મુલાકાતે આવે છે. ભાજપ હંમેશા લોકો સાથે રહેવાનો પ્રયાસ કરે છે. ભાજપના કાર્યકરો લોકો સુધી જઈ તેમના કાર્યકરો લોકો સુધી જઈ તેમના પ્રશ્ર્નોના નિરાકરણ કરે છે. ઉપરાંત હાલમાં રાજકોટમાં મોસાળેમાં પીરસનાર જેવો ઘાટ છે. જેથી રાજકોટને એઈમ્સ જેવી ભેટો મળી છે. આવાસ સહિતના પ્રોજેકટ સામાન્ય લોકો માટે જ આવ્યા છે. જેથી દરેક પોતાના સપનાના ઘરમાં રહી શકે. આ ચૂંટણીમાં ભાજપ જ વિજય ધ્વજ લહેરાવશે. લોકો પણ ભાજપની સાથે છે.
વોર્ડ નં.૧૪માં પ્રાથમિક સુવિધાઓના નામે દંભ, વિકાસના નામે મીંડુ: કોંગ્રેસ
વોર્ડ નં.૧૪માં તમામ કોર્પોરેટર ભાજપના છે. ત્યારે વોર્ડ નં.૧૪ના રહેવાસી અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું કે, વોર્ડ નં.૧૪માં વિકાસના નામે મીંડુ કહી શકાય કારણ કે વોર્ડ નં.૧૪ એક ઐતિહાસિક વોર્ડ છે. કારણ કે ૧૪ના વિસ્તારમાંથી રાજકોટને પાંચ મેયર મળ્યા છે. છતાં પણ રોડ, રસ્તા, પાણી સહિતના અનેક પ્રશ્ર્નો અહીંયા જોવા મળે છે. વિકાસની વાત આવે તો પાણી, સફાઈ, રોડ-રસ્તા તથા વરસાદી પાણીના પ્રશ્ર્નો ખુબ જ છે. હજુ પણ તેનો નિકાલ નથી આવ્યો. શેઠ હાઈસ્કૂલ સારી હતી. તેમાં પણ થાળી ભાંગી વાટકો કર્યો છે. રાજકોટને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. જ્યારે પણ રાષ્ટ્રપતિ આવે વડાપ્રધાન આવે ત્યારે ઝુંપડપટ્ટી ઉપર અમદાવાદની જેમ દિવાલો ચણવામાં આવે છે. અથવા તો ઢાંકી દેવામાં આવે છે. ભાજપ દર વખતે નવા નવા સુત્રો લઈ આવે છે અને સુત્રો પર જ ચૂંટણી લડે છે.