બે મહિલા સહિત છ સામે નોંધાતો ગુનો
પાટણવાવ નજીક આવેલા મોટી મારડમાં પરિણીતા પર આઠેક માસ પહેલા થયેલા બળાત્કારના પ્રશ્ને બે પરિવાર વચ્ચે ચાલતી અદાવતના કારણે બન્ને પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં મહિલા સહિત ત્રણ ઘવાયા હતા. પોલીસે બે મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોટી મારડ ગામે પટેલ સમાજ નજીક રહેતી જીજ્ઞાબેન નીતિનભાઈ મોકાણી નામની ૩૬ વર્ષની પટેલ પરિણીતાએ તેના જ ગામના જગદીશ રતનશી પટેલ, હિરેન જગદીશ પટેલ, સવિતાબેન જગદીશ પટેલ અને હિતેશ ઉર્ફે જાલો ગઢાણીયા નામના શખ્સોએ છરી અને લોખંડના પાઈપથી મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે સવિતાબેન જગદીશભાઈ પટેલે નીતિન વશરામ મોકાણી અને તેની પત્ની જીજ્ઞાબેન સામે તલવાર અને છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જગદીશ રતનશી પટેલ સામે આઠેક માસ પહેલા બળાત્કારનો ગુનો નોંધાયા બાદ જામીન પર છૂટતા બળાત્કારના ગુનામાં સમાધાન કરવા બન્ને પક્ષો મળ્યા બાદ સામસામે હુમલો થયાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પાટણવાવ પીએસઆઈ એન.વી.હરિયાણીએ બે મહિલા સહિત છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.