કાળા નાણા સંગ્રહ કરનારાની તમામ વિગતો હવે સરકાર પાસે
સ્વિટ્ઝર્લેન્ડે ભારત સહિત 101 દેશોને 34 લાખ ખાતાઓની વિગતો આપી
સ્વિસ બેંકે ફરી એકવાર ભારતીય ખાતાધારકોની યાદી જાહેર કરી છે. સ્વિસ બેંકે ભારતને લાખો ખાતાની વિગતો મોકલી છે. ભારતને તેના નાગરિકો અને સંસ્થાઓના સ્વિસ બેંક ખાતાની વિગતોનો ચોથો સેટ મળ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડે ભારત સહિત 101 દેશો સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાની વિગતો શેર કરી છે.
અધિકારીઓએ કહ્યું કે સેંકડો નાણાકીય ખાતાઓ સાથે સંબંધિત વિગતો ભારત સાથે શેર કરવામાં આવી છે. આમાં અમુક વ્યક્તિઓ, કંપનીઓ અને ટ્રસ્ટોના ખાતાનો સમાવેશ થાય છે. જો કે, તેણે માહિતીના વિનિમય હેઠળની ગુપ્તતાની કલમને ટાંકીને વિસ્તૃત માહિતી આપી ન હતી કારણ કે તે આગળની તપાસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની વિગતો ઉદ્યોગપતિ સાથે સંબંધિત છે. તેમાં એનઆરઆઈની વિગતો પણ સામેલ છે જેઓ હવે દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશો તેમજ યુએસ, યુકે અને કેટલાક આફ્રિકન અને દક્ષિણ અમેરિકન દેશોમાં સ્થાયી થયા છે.
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે આ વર્ષે માહિતીના આદાનપ્રદાનની યાદીમાં પાંચ નવા દેશો ઉમેરાયા છે. તેમાં અલ્બેનિયા, બ્રુનેઈ દારુસલામ, નાઈજીરીયા, પેરુ અને તુર્કીનો સમાવેશ થાય છે. નાણાકીય ખાતાઓની સંખ્યામાં લગભગ એક લાખનો વધારો થયો છે.
કર ચોરી, ટેરર ફંડિંગની તપાસમાં ડેટા ઉપયોગી થશે
ભારત સાથે શેર કરેલી વિગતો સેંકડો નાણાકીય ખાતાઓ સાથે જોડાયેલી છે, જેમાં બહુવિધ ખાતાઓનો સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ કરચોરી, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા ખોટા કામોની તપાસ માટે કરવામાં આવશે. આ વિનિમય ગયા મહિને થયો હતો અને માહિતીનો આગામી સેટ સપ્ટેમ્બર 2023માં સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા શેર કરવામાં આવશે.
નામ-સરનામાથી લઈ એકાઉન્ટ બેલેન્સ સુધીની માહિતી મળી
ડેટા સુરક્ષા અને ગોપનીયતા પર ભારતમાં જરૂરી કાયદાકીય માળખાની સમીક્ષા સહિત લાંબી પ્રક્રિયા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ભારત સાથે એઇઓઆઈ માટે સંમતિ આપી હતી. વિનિમય કરાયેલ વિગતોમાં નામ, સરનામું, રહેઠાણનો દેશ અને ટેક્સ ઓળખ નંબર તેમજ એકાઉન્ટ બેલેન્સ અને મૂડી આવક સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. મોટાભાગની વિગતો બિઝનેસમેન સાથે જોડાયેલી છે. નિષ્ણાતોના મતે, ભારતને મળેલો ડેટા બિનહિસાબી સંપત્તિ ધરાવતા લોકો સામે મજબૂત કેસ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ડેટામાં ડિપોઝિટ અને ટ્રાન્સફર તેમજ તમામ કમાણી પર સંપૂર્ણ માહિતી શામેલ છે. સિક્યોરિટીઝ અને અન્ય સંપત્તિઓમાં રોકાણનો સમાવેશ થાય છે.