ખોદ્યો ડુંગર નિકળ્યો ઉંદર !!!
વિદેશમાં પગ કરી ગયેલા કાળા નાણાને સ્વદેશ લાવવાના મહાઅભિયાનને વેગ મળશે કે પછી તપાસની તપાસ અને તપાસમાં જ ગુંચવાઈને રહી જશે સ્વિસ બેંકના ખાતાઓની ‘તપાસ’
ભારતના રાજદ્વારી ઈતિહાસ અને ત્વારીખમાં આજથી નહીં દાયકાઓ અને સદીઓથી ભારતનું ધનઐશ્ર્વર્ય વિદેશમાં લઈ જવા, લૂંટવા અને ચોરીછુપીથી મોકલી દેવાનો સીલસીલો દર વખતે વિનીમયનો રૂપ બદલતું રહે છે. આ ધનના ઉસેડીયાની લાંબી ત્વારીખમાં મધ્યયુગની વિરાસત કોહીનુરનો હિરો હોય કે, અંગ્રેજો અને આક્રમણખોરો દ્વારા સોના રૂપા અને નાણાનો ભારતમાંથી કોથળા ભરવાની પ્રક્રિયા હોય, આજે પણ દેશને લૂંટવાનો સીલસીલો નવા રૂપથી ચાલતો હોય તેમ દેશમાં વહીવટી ભ્રષ્ટાચાર અને કરચોરી દ્વારા ઉભા કરવામાં આવતા કાળા નાણાને વિદેશી બેંકોમાં ઠાલવવાનો સીલસીલો જારી જ છે. તેમાં ઉદ્યોગપતિઓથી લઈ રાજકારણીઓ અને માફીયાઓ સુધીના તમામ વર્ગનો સમાવેશ થાય છે. સ્વીત્ઝરલેન્ડમાં દાયકાઓથી વિદેશના અન્ય દેશોના કાળા નાણા સંઘરવાની વ્યવસ્થા છે ત્યારે ભારતના અનેક અબજોપતિઓએ સ્વીસ બેંકમાં નાણા જમા કરાવવાની વાતો અને હકીકત વારંવાર રાજકીય મુદ્દો બનતો રહે છે અને આ મુદ્દે વાતો ઘણી થાય છે પણ પરિણામ મળતું નથી. અગાઉની સરકારની પ્રયત્નોથી એક ડગલુ આગળ વધીને વર્તમાન સરકારે સ્વીસ બેંકના કાળા નાણાને દેશમાં લાવવાના પ્રયત્નોને વધુ તેજ બનાવ્યા છે પણ અત્યાર સુધી માત્ર એકાઉન્ટની વિગતો મેળવવા સીવાય ભારતને કંઈ પ્રાપ્ત થઈ નથી.
ભારત અને સ્વીત્ઝરલેન્ડે કરેલા કરારમાં ભારતીયોના ખાતાની વિગતોની આપ-લેનો દૌર શરૂ થયો છે. પ્રથમ તબક્કાની યાદીમાં જાહેર થયેલા ભારતીયોના નામમાં રાજકોટના પંકજ લોઢીયાનું નામ પણ ખુલ્યું હતું. હજ્જારો-કરોડો રૂપિયાના કાળા નાણાના મુળ સ્વીસ બેંક સુધી ગયા છે પરંતુ તેની ફળદાયી અને પરીણામદાયી કાર્યવાહી હાથ ધરાઈ નથી. કાળા નાણા પાછા લાવવાની જહેમત ખુબ થાય છે પરંતુ દર વખતે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. તાજેતરમાં ભારત-સ્વીત્ઝરલેન્ડ વચ્ચે થયેલા કરાર મુજબ બીજા તબક્કાની યાદી જાહેર કરીને ભારતને તેને સોંપવામાં આવી છે. જો કે, આ યાદીમાં નાણાની રકમ અને નાણાના સ્ત્રોતની વિગતો બહાર પડી નથી. સરકારે આ વિગતોના આધારે તપાસ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. અગાઉની યાદીની તપાસ હજુ ચાલુ છે. ત્યારે આ બીજી યાદીની તપાસ પણ અગાઉની જેમ જ અધ્ધવચ્ચે અટકી જશે કે, આરોપીઓને બેનકાબ કરી નાણા સ્વદેશ પરત આવશે તે તો સમય જ બતાવશે.
સ્વીત્ઝરલેન્ડે ૮૬ દેશો સાથે માહિતીની આપ-લેના કરારો કર્યા છે. તેમાં ભારતનો સમાવેશ થાય છે. કોરોના કટોકટીને લઈને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ સ્વીત્ઝરલેન્ડે બીજી યાદી બહાર પાડી હતી. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં પ્રથમ યાદી જારી કરી હતી જેમાં રાજકોટના પંકજ લોઢીયા સહિતના ખાતેદારોના નામ ખુલ્યા હતા પરંતુ તે વખતે ખાતામાં કેટલા પૈસા પડ્યા છે તે અંગે વિગતો મળી ન હતી. આ વખતે પણ યાદી જાહેર થઈ છે ત્યારે તપાસમાં જવાબદારોના તપેલા ચડી જશે કે પછી હોતી હૈ….ચલતી રહૈ….ની જેમ આ યાદી પણ પ્રથમ યાદીની જેમ જ ઔપચારિક બની રહેશે.
કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા દેશના કાળા નાણા પરત લાવવાના પ્રયાસોને ચૂંટણી મેનીફેસ્ટોમાં મહત્વ આપ્યું હતું. કેન્દ્ર સરકાર અત્યાર સુધીના તમામ ચૂંટણી વચનો જેમાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવી, રામ મંદિર મુદ્દાનો ઉકેલ, ત્રિપલ તલાક પ્રતિબંધ, કૃષિ બીલ જેવા મહત્વકાંક્ષી અધ્યાયોમાં સફળ થઈ છે ત્યારે દેશમાં કાળા નાણા પરત લાવવાની દિશામાં હવે સરકાર કેવી રીતે આગળ વધે છે તેના પર તમામની મીટ મંડાઈ છે.
સ્વિસ બેંકના ખાતાઓની પ્રથમ યાદીનો રેલો છેક રાજકોટ સુધી આવ્યો હતો, નવી યાદીમાં પણ ધડાકા થાય તેવી સંભાવના
ભારત-સ્વીત્ઝરલેન્ડ વચ્ચે માહિતીની આપ-લે અંગેના થયેલા કરાર અંતર્ગત સ્વીસ બેંકમાં પડેલા ભારતીય નાગરિકોના નાણા અને ખાતાની વિગતો આપ-લે થવાનો સીલસીલો શરૂ થયો છે. પ્રથમ યાદીમાં રાજકોટના પંકજ લોઢીયા સહિતના લોકોના નામો ખુલ્યા હતા. ફરીથી બીજી યાદી ભારતને સોંપવામાં આવી રહી છે ત્યારે આ નામોમાં પણ કેટલા મોટા માથા અને જાણીતી હસ્તીના નામ બહાર આવે અને નવા ધડાકા થાય તેવી શકયતા સેવાઈ રહી છે.