લાલપુરના મેમાણામાંથી બોરમાંથી મોટર કાઢવાની બાબતે એક વૃદ્ધ પર આઠ શખ્સોએ હુમલો કર્યાે છે. જ્યારે એક યુવાન પાસે બે ગરાસિયા શખ્સોએ પૈસા માગી તલવાર ઝીંકી છે. તેમજ પાણીની પાઈપલાઈનના પ્રશ્ને બેડીના યુવાનને માર પડયો છે.
લાલ૫ુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અનિરૃદ્ધસિંહ કેશરીસિંહ જાડેજા નામના બૌત્તેર વર્ષના વૃદ્ધને તેઓના ખેતરમાં આવેલા બોરમાંથી મોટર કાઢવા બાબતે તે જ ગામના ધર્મેન્દ્રસિંહ દિલુભા જાડેજા સાથે બોલાચાલી થયા પછી શનિવારે સવારે કુહાડી સાથે રાખી ધસી આવેલા ધર્મેન્દ્રસિંહ, ચંદુભા હેમતસિંહ, વનરાજસિંહ ધીરૃભા, મહોબતસિંહ જુવાનસંગ, અશોકસિંહ દિલુભા, રણજીતસિંહ અમરસિંહ અને ભરતસિંહ ભોવાનસિંહ નામના આઠ શખ્સોએ અનિરૃદ્ધસિંહ પર હુમલો કરી માર મારતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના પુનિતનગર વિસ્તારમાં રહેતા પ્રદીપસિંહ ભનુભા ચુડાસમા નામના યુવાનને શનિવારે રાત્રે મોમાઈનગરમાં રહેતા હીરેન વિજયસિંહ ઝાલા તથા કુંવરસિંહ ધીરૃભા સોઢા ઉર્ફે ગગુ નામના બે શખ્સોએ રોકી રૃા.૧ હજારની માગણી કરી હતી, પરંતુ પ્રદીપસિંહએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા તેમના પર ઉપરોકત બે શખ્સોને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પીએસઆઈ આર.એમ. મકવાણાએ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા સમીર હનીફ ભટ્ટીના ઘર પાસે પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હોય તેને રીપેર કરવાની બાબતે પાડોશી અકબર મામદ ભાયા, શબીર મામદ, મામદ અબ્દુલ ભાયાએ તલવાર-ધોકાથી હુમલો કરી સમીરને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.