એઇમ્સની ટીમના આગમન પૂર્વે ૨૪ કલાકમાં ત્રણ મહિલા સહિત છના સ્વાઇનફલુથી મોત
સમગ્ર રાજયમાં સ્વાઇનફલુની મહામારીથી હાહાકાર મચી ગયો છે. બેકાબુ બનેલા સ્વાઇનફલુની સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ થયેલા ત્રણ મહિલા દર્દી સહિત છના મોત થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજકોટની હોસ્પિટલમાં સ્વાઇનફલુએ ૯૧નો શિકાર કર્યો છે.
સ્વાઇનફલુના બેકાબુ રોગચાળાને આગળ વધતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી અને તકેદારીની કાર્યવાહીની સાથે સાથે સ્વાઇનફલુની સારવાર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમ છતાં સ્વાઇનફલુ વધુને વધુ ભરડો લઇ રહ્યો છે.
સ્વાઇફલુથી સામાન્ય વ્યક્તિમાં ફફડાટ મચી ગયો હોવાથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ ખાસ રાજકોટ આવી રહી છે. સ્વાઇફલુને નાથવા તંત્ર દ્વારા થઇ રહેલા પ્રયાસને નિષ્ફળતા મળતી હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટની હોસ્પિટલમાં ત્રણ મહિલા સહિત છના મોત નીપજયા છે.
સ્વાઇનફલુ કાળો કહેર વરતાવી રહ્યો છે. અને સમગ્ર રાજય સ્વાઇનફલુ અસરગ્રસ્ત બન્યું છે. જૂનાગઢના વંથલીના હેમીબેન મનસુખભાઇ (ઉ.વ.૫૭), જુનાગઢના માંગરોળના ફરજાનાબેન (ઉ.વ.૨૨), ગીર સોમનાથના ઉના ગામના રામભાઇ (ઉ.વ.૪૫), અમરેલીના ૫૮ વર્ષની મહિલા, રાજકોટના ૫૧ વર્ષના પ્રૌઢ અને જુનાગઢના ૩૮ વર્ષના યુવાનના છેલ્લી ૨૪ કલાકમાં મોત નીપજયું છે.
રાજકોટ યુવાનના સ્વાઇનફલુના કારણે મોત થતા રાજકોટ શહેરમાં કુલ ૨૭ને સ્વાઇનફલુ ભરખી ગયો છે. રાજકોટ જિલ્લાના ૨૧ અને અન્ય જિલ્લાના ૪૩ સ્વાઇનફલુના દર્દીના મોત થયા છે.રાજકોટવાસીઓ સ્વાઇનફલુ, ચીકનગુની અને ડેન્ગ્યુમાં સપડાયુ હોવાથી ઘરે ઘરે માંદગીના બીછાને પડયા છે.