સિઝનમાં ૯૫ કેસ નોંધાયા: ૧૯ના મોત
સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુનો કહેર વધતો રહ્યો છે ત્યારે એક જ દિવસમાં ૧૦ વર્ષની બાળા સહિત પાંચના રીપોર્ટ પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો છે. સરકારી આંકડા મુજબ હાલ ૯૫ જેટલા દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યો છે જયારે ૧૯ના મોત નિપજયા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની હોસ્પિટલોમાં એક જ દિવસમાં સ્વાઈનફલુના પાંચ પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જેમાં રાણાવાવના બાયોદર ગામની ૧૦ વર્ષની બાળા સહિત ૨૫ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે અન્ય ત્રણ દર્દીઓમાં જુનાગઢના ૫૫ વર્ષીય પ્રૌઢ અને રાજકોટના ૨૭ વર્ષીય મહિલા તથા ૭૨ વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ગાયત્રીનગરમાં રહેતી ૨૭ વર્ષીય મહિલાને સ્વાઈનફલુ રિપોર્ટ પોઝીટીવ આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જયારે યુનિવર્સિટી રોડ પર રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તે ઉપરાંત રાણાવાવ તાલુકાનાં બાયોદર ગામમાં રહેલા ૨૫ વર્ષીય મહિલા સહિત ૧૦ વર્ષની બાળકીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય એક દર્દીમાં જુનાગઢના કેશોદ તાલુકાનાં ૫૫ વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૨૫ જેટલા દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાંથી ૩ દર્દીઓના મોત નિપજયાં હતા. જયારે રાજકોટ શહેરમાં ૨૩ દર્દીઓને સ્વાઈનફલુની અસર જોવા મળી છે. જેમાંથી ૪ દર્દીઓના મોત નિપજયા છે. જયારે આસપાસના જીલ્લાઓમાં ૪૭ જેટલા દર્દીઓને સ્વાઈનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાંથી ૧૨ દર્દીઓના મોત નિપજયા છે. સરકારી આંકડાઓ મુજબ ૯૫ જેટલા દર્દીઓ અત્યાર સુધી આ વર્ષે સ્વાઈનફલુના શિકાર બન્યા છે જેમાંથી ૧૯ જેટલા દર્દીઓના મોત નિપજયા છે.