H1N1 વાયરસને લઈ ૯ માંથી ૫ જજો માંદગીના બિછાને અને સેંકડો વકિલો ‘વાયરસગ્રસ્ત’
સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયમૂર્તિને સ્વાઈનફલુ થયો હોવાથી કોર્ટનાં કામકાજમાં ઘણી અસર પડી રહી છે માત્ર ન્યાયમૂર્તિઓ જ નહીં પરંતુ વકિલો પણ H1N1 વાયરસનો ભોગ બન્યા છે. આ તકે સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિએ આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોને H1N1 વાયરસની અસર જોવા મળી છે. તેમના દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે સામે સુપ્રીમ કોર્ટમાં કામ કરતા લોકોનું રસીકરણ કરવા વિનંતી પણ કરવામાં આવી છે. ચીફ જસ્ટીસ દ્વારા આ મુદ્દે બેઠક પણ બોલાવી છે ત્યારે ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના માસ્ક પહેરીને કોર્ટમાં હાજર થયા હતા અને આ મુદ્દે બેઠક પણ યોજાઈ હતી.
છેલ્લા ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટનાં જજો અને હજારો વકિલો કે જેઓ કોર્ટમાં પ્રેકટીસ કરી રહ્યા છે તેઓ H1N1 વાયરસનો ભોગ બન્યા છે જેમાંથી ૫ જજોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે જયાં તેઓની પૂર્ણત: સારસંભાળ પણ લેવામાં આવી રહી છે. રાઈટ ટુ રીલીજીયન કેસની સુનાવણી ૯ જજોની બેંચો દ્વારા કરવામાં આવી રહી હતી તેમાંના એક જજ સુનાવણીના માત્ર બે કલાક જ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની તબિયત લથડતા તેઓએ કોર્ટ પરીસર છોડયું હતું. ન્યાયમૂર્તિઓની તબિયત લથડતાની સાથે જ આ કેસ હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. ચાર ન્યાયમૂર્તિઓમાંથી ત્રણ ન્યાયમૂર્તિઓને H1N1 વાયરસનો એટેક આવ્યો હતો પરંતુ ન્યાયમૂર્તિની તબિયતમાં સુધારો થતા તે ફરીથી મંગળવારનાં રોજ કોર્ટ પરીસરમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ તમામ પાંચ ન્યાયમૂર્તિઓ અને તેમના પરીવારને સારવાર આપવામાં આવી રહી છે તેમ હેલ્થ મિનીસ્ટ્રી દ્વારા જાણવા પણ મળ્યું છે. પાંચ જજોમાંથી ત્રણ જજોની તબિયતમાં અનેકગણો સુધારો જોવા મળતાની સાથે જ તેઓ તેમની ફરજ પર પાછા ફર્યા છે જેમાંથી હાલ બે ન્યાયમૂર્તિ ઓબ્ઝર્વેશન હેઠળ તેમના નિવાસ સ્થાને સારવાર લઈ રહ્યા છે.
ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ સુપ્રીમ કોર્ટમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી તબીબીની નિમણુક કરવાની પણ ભલામણ કરી છે અને કોર્ટ રૂમને સેનેટાઈઝ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. હેલ્થ મિનીસ્ટ્રીના સંપર્ક સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ તમામ ન્યાયમૂર્તિઓની સારવાર તેમના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવી રહી છે જેમાં માત્ર ન્યાયમૂર્તિઓ જ નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ સારવાર આપવામાં આવે છે. પાંચ જજોમાંથી ત્રણ જજો હાલ સારવાર હેઠળ છે પરંતુ તેઓ તેમની ફરજ પર આવી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ તેમના સહકર્મીઓ સાથે વાતચીત કરવા એકશન પ્લાન રજુ કરવાનું જણાવ્યું હતું અને વાયરસ કેવી રીતે ફેલાયો તે અંગે માહિતી આપવા તાકિદ કરી હતી. સુપ્રીમ કોર્ટનાં સુત્રો મુજબ હેલ્થ વિભાગ દ્વારા ટેમ્પરરી મેડિકલ ડિસ્પેન્સરી સુપ્રીમ કોર્ટમાં ખુલવાની જાણ કરી છે જેમાં વકિલો તથા કોર્ટ સ્ટાફને સારવાર આપવામાં આવશે. આ ઘટના સામે આવતાની સાથે જ જસ્ટીસ અરૂણ મિશ્રાએ વકિલોને સુચન કરતા જણાવ્યું છે કે જો તેઓને તેમની તબિયત નાદુુરસ્ત લાગતી હોય તો તે રજા લઈ ઘરે આરામ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં કામચલાઉ મેડિકલ ડિસ્પેન્સરી ખોલવાની મળી મંજુરી
હાલ જે રીતે સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિઓ, વકિલો અને કોર્ટમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓને એચવનએનવન વાયરસ લાગ્યો છે ત્યારે તે સર્વેને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મેડિકલ ડિસ્પેન્સરી ખોલવા માટેની મંજુરી આપવામાં આવી છે. હાલ આ ડિસ્પેન્સરી કામચલાઉ જ ખોલવામાં આવશે જયાં ફિ વસુલી કોર્ટ સ્ટાફ તથા વકિલોની સારવાર કરાશે. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ હેલ્થ મિનીસ્ટ્રીને જણાવતા કહ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સુપ્રીમ કોર્ટનાં પરીસરમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર તબીબની નિમણુક કરવામાં આવે અને કોર્ટરૂમને સેનેટાઈઝ કરાય. હાલ હેલ્થ વિભાગ દ્વારા તમામ ન્યાયમૂર્તિઓ અને તેમના પરીવારજનોને તેઓના પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવે છે.