ડેન્ગ્યુએ પણ માજા મુકી: રોજના સેંકડો કેસ નોંધાતા હોવાનો અંદાજ
રાજકોટમાં સ્વાઈનફલુના કેસોમાં થતો દિવસે-દિવસે વધારાને કારણે જનઆરોગ્ય મનપામાં ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ ત્રણ વ્યકિતઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાહેર થયું છે. જયારે વાતાવરણમાં પલટો આવાથી સ્વાઈનફલુ સાથે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં સ્વાઈનફલુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાજકોટની હોસ્પિટલમાં વધુ ત્રણ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા સિઝનના ૧૧૩ કેસ સ્વાઈનફલુ હેઠળ નોંધાવાયા છે. જયારે વાતાવરણમાં પલટો આવાના કારણે સ્વાઈનફલુ સાથે સાથે ડેન્ગ્યુના દર્દીઓમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે. આરોગ્યતંત્રના સઘન પ્રયાસો છતાં સ્વાઈનફલુ અને ડેન્ગ્યુના વધતા જતા દર્દીઓ ચિંતાનો વિષય બની રહ્યા છે.
રાજકોટમાં આજે ઓસ્કાર રેસીડેન્સી-૩૦ નાણાવટી ચોક ખાતે રહેતા ૫૭ વર્ષીય મહિલા કિંગ્ઝ હાઈટ એપાર્ટમેન્ટ, અમીન માર્ગ પાસે રહેતા ૫૫ વર્ષીય પ્રૌઢ અને કેવલમ્, સેટેલાઈટ પાર્ક શેરી નં.૨ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રહેતા ૬૪ વર્ષીય મહિલાને સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ સ્વાઈનફલુમાં કુલ ૧૧૩ કેસો નોંધાયા છે. જેમાં ૨૫ લોકોના મોત નિપજયા છે. હાલ કુલ ૧૮ જેટલા દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
બીજી તરફ ડેન્ગ્યુએ પણ પોતાનું માથુ ઉચકયું છે. લોકો ડેન્ગ્યુની ઝપટે ચડયા હોય તેમ રોજ ૨૫ થી ૩૦ કેસ નોંધાતા હોવાનો અંદાજ જાણવા મળી રહ્યો છે. સ્વાઈનફલુ અને ડેન્ગ્યુના વધતા જતા દર્દીઓ સામે આરોગ્યતંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા હોવા છતાં પરિસ્થિતિ કાબુમાં ન આવતા ચિંતાજનક વાતાવરણ પ્રસરી રહ્યું છે.