દેશમાં રાજસ્થાન બાદ ગુજરાત સીઝનલ ફલુમાં બીજા નંબરે: ૨૪ કલાકમાં ૯૦ પોઝીટીવ
રાજકોટ સહિત ગુજરાતભરમાં સ્વાઈનફલુનો હાહાકાર મચી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં સ્વાઈનફલુમાં દર્દીઓનો ઉતરોતર સંખ્યા વધતી જોવા મળી રહી છે. રાજકોટમાં એક જ દિવસમાં વધુ સાત કેસ પોઝીટીવ નોંધાયા છે અને બેના મોત નિપજયા છે. જયારે ગુજરાતમાં ૨૪ કલાકમાં વધુ ૯૦ કેસ નોંધાતા દેશમાં રાજસ્થાન બાદ ગુજરાત સિઝનલફલુમાં બીજા ક્રમાંકે આવી રહ્યું છે. વધુમાં સ્વાઈનફલુને રોકવા ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે.
૧લી જાન્યુઆરી ૨૦૧૯થી ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઈનફલુનો હાહાકાર વધી રહ્યો હતો પરંતુ ઠંડીનું પ્રમાણ ઘટતા પણ સ્વાઈનફલુમાં દર્દીઓનો વધારો જોવા મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટ સહિત રાજયભરમાં સ્વાઈનફલુએ કાળો કહેર વરસાવ્યો હોય તેમ રાજકોટમાં એક જ દિવસમાં વધુ સાત દર્દીઓના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં ૨૪ કલાકમાં ૯૦ પોઝીટીવ કેસ નોંધાતા આંકડો ૨૦૦૦ને નજીક પહોંચી રહ્યો છે. સ્વાઈનફલુ રાજયમાં હાલ માથાનો દુખાવો બન્યો હોય ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ સ્વાઈનફલુને રોકવા માટે સ્વાસ્થ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવી પગલા લેવાનો આદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે આપ્યો છે.
હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, જેમ મોટી ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસ.આઈ.ટી) બનાવે છે તેમ આ સમસ્યાને વકરતી અટકાવવા માટે સ્વાસ્થ્ય વિભાગ એક સમિતિ બનાવે તે જ‚રી છે. હાઈકોર્ટે તાકીદ કરી છે કે સ્વાઈનફલુના કારણે લોકોના જીવ ન જાય તેની પ્રાથમિકતા દર્શાવી છે.
રાજકોટમાં માત્ર ૨૪ કલાકમાં જ ઉપલેટાના ૫૯ વર્ષીય પ્રૌઢ, ઉપલેટાના જ ૬૦ વર્ષીય વૃદ્ધ, રાજકોટ શહેરના ૫૯ વર્ષીય પ્રૌઢા, રાજકોટના ૩૫ વર્ષીય મહિલા, અમદાવાદના ૪૯ વર્ષીય પ્રૌઢા, બગસરાના ૫૭ વર્ષીય પ્રૌઢ અને ગઢડાના ઢસા ગામના ૫૨ વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે રાજકોટની હોસ્પિટલોમાં સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જયારે ઉપલેટાના ૬૦ વર્ષીય વૃદ્ધ અને ઉપલેટાના જ ૫૩ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જેમના મોતનું સચોટ તારણ મેળવવા માટે ડેથ રીવ્યુ મેળવવામાં આવશે.
રાજકોટ સહિત ગુજરાતમાં પણ સ્વાઈનફલુ હાહાકાર મચાવી રહ્યો છે. એક જ દિવસમાં વધુ ૯૦ કેસ પોઝીટીવ નોંધાયા છે. દેશભરમાં રાજસ્થાન બાદ સ્વાઈનફલુમાં ગુજરાત બીજા નંબર પર આવી રહ્યું છે. રાજયમાં હાલ ૬૬૧ દર્દીઓ સ્વાઈનફલુ સારવાર હેઠળ છે. રાજકોટમાં જ ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી ૨૨૯ સિઝનલફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૪૩ દર્દીઓના મોત નિપજયા છે. જયારે ડેથ રીવ્યુ રીપોર્ટ બાદ મૃત્યુની સંખ્યામાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.