૨૧ દિવસમાં ૩૪૨ વ્યક્તિઓ બન્યા કાળનો કોળીયો: મૃત્યુઆંકમાં ચાર ગણો વધારો: દેશમાં ભારે ફફડાટ: તંત્ર વામણું પુરવાર
ગુજરાત સહિત દેશભરમાં સ્વાઈન ફલુએ અજગરી ભરડો લીધો છે. મહામારીના કારણે મૃત્યુઆંકમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને વધુને વધુ લોકો સ્વાઈન ફલુની ઝપેટમાં આવી રહ્યાં છે. ચાલુ વર્ષે દેશમાં સ્વાઈન ફલુના કારણે થયેલા મૃત્યુની સંખ્યા ૧૦૯૪થી પણ ઉપર પહોંચી છે. તેમાં પણ છેલ્લા ત્રણ અઠવાડિયાની અંદર વાયરલ બીમારીના કારણે ૩૪૨ લોકો મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફલુથી અનુક્રમે ૪૩૭ અને ૨૬૯થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાન, કેરળ અને દિલ્હીમાં પણ મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.
ચાલુ વર્ષે ઓગષ્ટ સુધીમાં કેટલાક લોકોના મૃત્યુ થયા છે તેનો આંક ગત વર્ષની સરખામણીએ ચાર ગણો થાય છે. ચાલુ વર્ષે કુલ ૨૨૧૮૬ સ્વાઈન ફલુના કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ૮ મહિનાની અંદર ૪૩૭થી વધુ લોકો એચ-૧ એન-૧ વાયરસનો કોળીયો બન્યા છે. ત્યારબાદ ૨૭૦થી વધુ લોકોના મૃત્યુ સાથે ગુજરાતનો બીજો નંબર આવે છે. ગત ૨૦૧૬માં કુલ ૨૬૫ લોકોના મૃત્યુ થયા હતા જેની સરખામણીએ ચાલુ વર્ષે આ આંક ચાર ગણો થયો છે. ૨૦૦૯ની સાલમાં સ્વાઈન ફલુની મહામારી સૌથી વધુ વકરી હતી જેમાં ૨૫૦૦થી વધારે લોકોએ ગુમાવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૭ મૃત્યુઆંક બાબતે બીજા નંબરે પહોંચી ગયું છે અને હજુ મૃત્યુઆંક વધવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે. ૨૦૧૦ની સાલમાં સ્વાઈન ફલુએ ૧૭૬૩ લોકોનો ભોગ લીધો હતો. ત્યારબાદ અનુક્રમે ૨૦૧૧માં ૭૫, ૨૦૧૨માં ૪૦૫, ૨૦૧૩માં ૬૯૯, ૨૦૧૪માં ૨૧૮ અને ૨૦૧૫માં ૭૭૪ લોકો સ્વાઈન ફલુના કારણે કાળનો કોળીયો બન્યા છે.
ખુબ ઝડપથી વકરી રહેલા સ્વાઈન ફલુને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા પણ પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમાં ચાલુ વર્ષે સ્વાઈન ફલુના વાઈરસની પેટર્ન બદલાઈ હોવાથી તબીબો માટે કામગીરી વધુ આકરી બની છે. ગુજરાતમાં ખુબ ઝડપથી મૃત્યુઆંક વધી રહ્યો હોવાથી સરકાર દ્વારા પણ આ બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વાઈન ફલુથી કેવી રીતે બચવું તે અંગે લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો શ‚ કરવામાં આવ્યા છે.