૧ લી સપ્ટેમ્બરથી ૧૬૩ કેસ નોંધાયા: ૪૨ના મોત, ૯ દર્દીઓ સારવાર હેઠળ

વધતી જતી ઠંડીના જોર સામે સ્વાઈનફલુના વાયરસ પણ જોર પકડી રહ્યા છે. ૧લી સપ્ટેમ્બરથી હાલ સુધી સ્વાઈનફલુના કારણે ૪૨ લોકોના મોત નિપજયા છે. આરોગ્ય તંત્રના સઘન પ્રયાસો બાદ પણ સ્વાઈન ફલુ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. ગઈકાલ એક જ દિવસમા રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં પાંચ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગોંડલના સેલટેકસ ઓફીસરના પત્નીને સ્વાઈનફલુ પ્રોઝીટીવ આવતા ગોંડલની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

૧લી સપ્ટેમ્બર માસથી આજ સુધી સૌરાષ્ટ્રભરમાં કુલ ૧૬૩ કેસ સ્વાઈનફલુ પોઝીટીવ નોંધાયા છે. જે પૈકી સારવાર અર્થે દર્દીઓને ઓસેલ્ટામવીર દવા આપવામાં આવતા ૧૨૧ જેટલા દર્દીઓ વાયરસમાંથી મૂકત થવા પામ્યા છે.જયારે સારવારમાં વિલંબ દાખવતા અને શરદી જેવા વાયરસને નોરમલ ગણાવતા ઘણા દર્દીઓની હાલત ગંભીર થવા પામી હતી જયારે ૪૨ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત પણ નિપજયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી આઠ દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટ સીટીમાં ૫૫ કેસ નોંધાયા હતા જેમાં નવ દર્દીઓના મોત નિપજયા હતા. જયારે સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાં ૬૮ જેટલા સ્વાઈનફલુના કેસ નોંધાયા હતા જેમાં ૨૫ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા.

જયારે ગઈકાલના રોજ એક સાથે પાંચ દર્દીઓના સ્વાઈનફલુ પ્રોઝીટીવ કેસ નોંધાયા છે. જેમા ગોંડલના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષિય પ્રૌઢ, ભચાઉના વાંઢિયા ગામના ૨૮ વર્ષિય યુવતી, જૂનાગઢના ૭૮ વર્ષિય વૃધ્ધા ગોંડલના ૫૦ વર્ષિય મહિલા અને રાજકોટનાં ૫૦ વર્ષિય મહિલાના રિપોર્ટ કરાવતા સ્વાઈનફલુ, પોઝીટીવ આવતા તમામ દર્દીઓને રાજકોટ તથા ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓનાં કુલ ૯ દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.