અતિ ગંભીર ગણાતા સ્વાઈનફ્લૂના રોગમાં જામનગરમાં બે મહિલાનો ભોગ લેવાયો છે. ફક્ત એક જ દિવસની સારવારમાં જામનગરના મહિલાનું સ્વાઈનફ્લૂની બીમારી સબબ મૃત્યુ થયું હતું. જ્યારે ધોરાજીના એક મહિલા દર્દીનું ૫ણ ગત મોડી રાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું હતું.
આ ઉપરાંત ગઈકાલે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કુલ ૬ કેસ નોંધાયા હતાં જ્યારે સામાન્ય તાવના અસંખ્ય કેસ પણ નોંધાયા છે.
સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં જોવા મળતા સ્વાઈનફ્લૂના જીવાણુંઓ આજે ધોમધમતા ઉનાળાની સીઝનમાં પણ જોવા મળી રહ્યા છે. જામનગરના ખીજડા મંદિર પાસે રહેતા ૬પ વર્ષના મહિલાને તા. ૧લી ઓક્ટોબરના સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમના જરૃરી પરીક્ષણ દરમિયાન સ્વાઈનફ્લૂ લાગુ પડ્યો હોવાનું જણાતા સઘન સારવાર શરૃ કરી દેવામાં આવી હતી, પરંતુ ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત ધોરાજીના એક મહિલા થોડા દિવસ પહેલા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેમના પરીક્ષણો કરાવવામાં આવતાં સ્વાઈનફ્લુ હોવાનો પોઝીટીવ રીપોર્ટ મળ્યો હતો. આથી તેમને આઈસોલેસન વોર્ડમાં સ્વીફટ કરવામાં આવ્યા હતાં. જ્યા સારવાર દરમ્યાન આ સ્વાઈનફ્લુ રોગ ગ્રસ્ત મહિલાનું પણ ગત મોડી રાત્રે મૃત્યુ નિપજયું હતું.
આમ જામનગરની હોસ્પિટલમાં ર૪ કલાકમાં જ સ્વાઈનફ્લુએ બે મહિલા દર્દીઓનો ભોગ લેતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત જામનગરમાં ગઈકાલે મેલેરિયાનો એક કેસ, ચિકનગુનિયાના બે કેસ તેમજ ડેન્ગ્યૂના ત્રણ કેસ નોંધાયા હતાં. આમ જામનગરમાં રોગચાળાએ હજુ પણ ડેરા તંબુ નાંખ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.