રાજયમાં સ્વાઈન ફલુના રોગચાળામાં ૧૧ વ્યક્તિએ જીવ ગુમાવ્યા
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ૮ અને સિવિલમાં ૧ સ્વાઈન ફલુના દર્દીની સારવાર’
સમગ્ર રાજયમાંમાં સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી સ્વાઈન ફલુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ ૧૧ વ્યક્તિઓ સ્વાઈન ફલુ ભરખી ગયો છે જેમાં સૌરાષ્ટ્રના ૨ વ્યક્તિનો સમાવેશ થઈ રહ્યો છે.
વેરાવળ પંથકના કિરણ અશોકગીરી ગૌસ્વામી, ૬૦ વર્ષના વૃદ્ધ, કાશમ હાજી ઈલાકાણીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. છેલ્લા ૧૫ દિવસમાં સ્વાઈન ફ્લુના કુલ ૧૫ કેસો નોંધાયા છે. જેમાં સ્વાઈન ફલુના ૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહેલી માળીયાની ચંપાબેન મનસુખભાઈ પરમાર અને બાબરાના મનુભાઈ પોપટભાઈ જીયાણાની તબીયતમાં સુધારો થતાં બંન્ને રજા આપવામાં આવી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧ અને ખાનગી હોસ્પિટલમાં ૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ભાજપના ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી અને સાંસદ મોહન કુંડારીયાએ સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને સ્વચ્છતા અંગે કર્મચારીઓ પાસે શપ લેવડાવ્યા હતા. પરંતુ સ્વાઇન ફ્લુના વધતા કેસો સામે નેતાઓની સ્વચ્છતાની માત્ર વાતો થઇ રહી હોય તેવું સ્પષ્ટ થાય છે.
રાજકોટમાં રોગચાળાએ માજા મુકી છે, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ સહિતના રોગચાળાને લઇને એકબાજુ લોકોમાં ફફડાટ ફેલાયો છે તો બીજીબાજુ આરોગ્ય અધિકારીઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાસંદ અને ધારાસભ્યો પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને લઇને પદાધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફને શપ લેવડાવ્યા હતા. ક્યારેય જોવા ન મળતી સ્વચ્છતા સિવિલ હોસ્પિટલમાં સવારી જોવા મળી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામા દર્દીઓ આવે છે. સાંસદ મોહન કુંડારીયાએ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ પાસેથી સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુના કેસની વિગતો અને સારવાર માટેની વ્યવસને લઇને માહિતી મેળવી હતી.
સ્વાઈનફલુના કારણે ગત વર્ષે અનેક પરીવારો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હતા. ચાલુ વર્ષે રાજય ઉપર ફરીથી સ્વાઈનફલુનો ખતરો તોડાઈ રહ્યો છે. અત્યારસુધીમાં રાજયમાં સ્વાઈનફલુના ૧૨૭ કેસ નોંધાયા છે જયારે ૧૧ દર્દીઓના મોત સ્વાઈનફલુના કારણે નિપજયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૮માં સમગ્ર દેશમાં સ્વાઈનફલુના કારણે ૨૩૭ લોકોના મોત નિપજયા હતા. જયારે ૨૨૨૭ દર્દીઓ નોંધાયા હતા. ચાલુ વર્ષે રાજયના અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં સ્વાઈન ફલુના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડા કહી રહ્યા છે. સ્વાઈનફલુનું નિદાન ઝડપથી થાય તો સારવારમાં પણ સરળતા રહે છે. હાલ અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુના કેસ મામલે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.