મિશ્ર સિઝનના કારણે સ્વાઈન ફલુનો રોગચાળો હજી વકરે તેવી દહેશત: કોઈપણ તાવમાં ટેમી ફલુ દવા લેવી હિતાવહ: મહાપાલિકાને તમામ આરોગ્ય કેન્દ્રો પર ટેમી ફલુનું નિ:શુલ્ક વિતરણ
શિયાળાની સિઝનમાં રેકોર્ડબ્રેક ઠંડી અને ત્યારબાદ મિશ્ર ઋતુના કારણે સ્વાઈનફલુની મહામારી હજી માથુ ઉંચકે તેવી વિનાશક દહેશત મોઢુ ફાડીને ઉભી છે ત્યારે સ્વાઈનફલુને નાથવા માટે કોઈપણ પ્રકારના તાવમાં ટેમી ફલુ નામની દવા ખુબ જ હિતાવહ હોવાનું આરોગ્ય તજજ્ઞો માની રહ્યા છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર ટેમી ફલુ નામની દવાનું નિ:શુલ્ક વિતરણ થઈ રહ્યું છે.
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વઘ્યું છે. ઝાડા-ઉલ્ટી અને અન્ય રોગચાળાની સરખામણીએ તાવનું પ્રમાણ વધુ જણાઈ રહ્યું છે. શિયાળાની સિઝનમાં રેકોર્ડબ્રેક ઠંડી પડયા બાદ હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે હજી સ્વાઈનફલુ માટે વાતાવરણ સંપૂર્ણ ફેવરેબલ માનવામાં આવી રહ્યું છે. આવામાં શ્ર્વાસના રોગનું પ્રમાણ વધુ રહે છે. સ્વાઈનફલુના કેસોમાં પણ હજી ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. આટલું જ નહીં હ્યુમીનીટી અર્થાત રોગપ્રતિકારક શકિતમાં વધ-ઘટ થવાની સંભાવના રહેલી છે. સામાન્ય શરદી-ઉધરસ કે તાવથી પીડાતા બાળકોને શાળાએ ન મોકલવા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને બિમાર બાળક જો શાળાએ આવે તો તેને અલગ બેસાડવા માટેની પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
સ્વાઈનફલુ જેવી મહામારીથી બચવા માટે કોઈપણ પ્રકારના તાવમાં ટેમી ફલુ નામની ગોળી લેવી હિતાવહ છે. આ દવા માર્કેટમાં ઉપલબ્ધ છે. આટલું જ નહીં મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો પરથી ટેમી ફલુ નામની દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડોકટર પણ એની ફલુ ટેઈક ટેમી ફલુની સલાહ આપી રહ્યા છે. આટલું જ નહીં આયુર્વેદિક ઉપચારમાં ઘરે ઉકાળો પીવામાં આવે તો પણ રોગચાળા સામે જાપ ઝીલી શકાય છે અને હ્યુમીનીટીને બુસ્ટ કરી શકાય છે. આગામી હોળી સુધી હજી વાયરલ ઈન્ફેકશન અને સ્વાઈનફલુનું જોર યથાવત રહેશે. સામાન્ય તાવ આવે તો પણ ડોકટરને બતાવવું હિતાવહ છે. કોઈપણ પ્રકારના તાવ સામે ટેમી ફલુ ૪૮ કલાક ખુબ જ અસરકારક રહે છે. જો ૪૮ કલાકમાં ટેમી ફલુ લઈ લેવામાં આવે તો તાવની અસરકારકતા ખુબ જ ઓછી થઈ જાય છે. અન્યથા તેને રોકવો ખુબ જ અઘરો બની જાય છે.