સ્વાઈન ફલુ બેકાબૂ બન્યો છે તેમ મૃત્યુઆંકમાં વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે અમરેલીના આધેડની સાથે ખાંભાની મહિલા સરપંચનું પણ મોત નિપજયું છે જયારે રાજકોટના એક સહિત વધુ ૫ના કેસ પોઝીટીવ નોંધાતા કુલઆંક ૨૬૫ પર પહોચ્યો છે. જયારે મૃત્યુઆંક ૫૮ પર પહોચ્યો છે.
સ્વાઈન ફલુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા પછી અમરેલીના બગસરાના ૪૫ વર્ષિય આધેડને ૨૫ ના રોજ શહેરની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમણે મંગળવારે બપોરે દમ તોડયો હતો જયારે ખાંભાના દલડી ગામે રહેતા મહિલા સરપંચનો રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ અને અહીથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુઅહીમોત નિપજયું હતુ આ સાથે જ કુલ મૃત્યુ આંક ૫૮ પર પહોચ્યો છે.
ગરમીનાં વાતાવરણમાં પણ સ્વાઈન ફલુના વધુ પાંચ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટના રૈયા રોડ પર અક્ષર રેસીડન્સીમાં રહેતા ૩૬ વર્ષિય યુવક, કંટોડાના બોરીચા ગામે રહેતા ૫૫ વર્ષિય મહિલા, ગોંડલના ગોમટા ગામે રહેતા ૭૦ વર્ષિય વૃધ્ધ, ધંધુકાના ૬૮ વર્ષિય વૃધ્ધ અને અમરેલીનાં બાબરાનાં ૪૦ વર્ષિય આધેડનો સમાવેશ થાય છે. આ સાથે કુલઆંક ૨૬૫ પર પહોચ્યો છે..