૨૪થી ૨૭મી ઑગસ્ટ સુધી યોજાશે તરણેતરનો લોકમેળો

ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આગામી ૨૪થી ઑગસ્ટથી યોજાશે. તા. ૨૭મી ઑગસ્ટ સુધી ચાલનારા આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

દરમિયાન રાજ્યમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. જેથી રોગચાળો વધુ ન વકરે તે માટે તરણેતરના મેળામાં યાત્રિકોનું તબીબો દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવશે. તરણેતરના મેળાના આયોજન માટે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્ર્વપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૨૪થી ૨૭મી ઑગસ્ટ સુધી યોજાશે અને મેળામાં લાખોની મેદની બે ત્રણ દિવસ માટે એકઠી થાય છે ત્યારે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ૯ પોઈન્ટ નકકી કરવામાં આવ્યા છે. આ પોઈન્ટમાંથી પસાર થનાર દરેક યાત્રિકોનું ડોકટર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવશે.

લોકોના આરોગ્યની સાથોસાથ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રજાજનો ભાતીગળ મેળો માણી શકે તે હેતુથી ૯ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અને તમામ પોઈન્ટ ઉપરથી ચેકિંગ કરવામાં આવશે. આ લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ આ સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને સ્વચ્છતા રાખવા ખાસ અપીલ કરી છે. સુરેન્દ્રનગરના કલેકટરે તરણેતરને જોડતા રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, પશુમેળો, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે અધિકારીઓ ઘનિષ્ઠ ચર્ચા-વિચારણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.