સિવિલમાં કુલ ૯ સ્વાઈન ફલૂના પોઝિટીવ કેસો; રાજયમાં કુલ મૃતાંકના અડધો અડધ લોકો સૌરાષ્ટ્રના
ગુજરાતમાં સ્વાઈન ફલૂના કુલ ૮૪૨ કેસો પ્રોઝિટીવ નોંધાયા
રાજયમાં સ્વાઈન ફલુનો કહેર વધી રહ્યો છે. જેને મામલે સરકાર દ્વારા યોગ્ય પગલા નહી લેવામાં આવતા હોવાની રજૂઆત થતા ચીફ જસ્ટીસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટીસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. અરજદાર ખેમચંદ કોષ્ટી દ્વારા હાઈકોર્ટ સમક્ષ ૨૦૧૬માં પિટિશન કરી હતી જે કેસમાં આજે સુનવણીને પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે. અરજીમાં નોંધાયું હતુ કે ચાલુ વર્ષે ૧૮ નાગરીકોનાં મોત સ્વાઈન ફલુને કારણ થયા છે.
પરંતુ સફાઈ તંત્ર દ્વારા યોગ્ય પગલા ન લેવામાં આવતા રોગચાળો વકરી રહ્યો છે. આ કેસમાં ચીફ જસ્ટીસની ખંડપીઠે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમજ આ મુદે સ્પષ્ટતા કરવાની પણ વાત કહી છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સ્વાઈન ફલુનો કહેર જોવા મળી રહ્યા છે. ચોમાસા બાદ ઓગષ્ટ મહિનાથી સ્વાઈન ફલુની શરૂઆત થઈ હતી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં કુલ ૭૪ પ્રોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાથી ૧૧ લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૬૧ સ્વાઈન ફલુના કેસો નોંધાયા હતા ત્યારબાદ સુરત, વડોદરા, અને રાજકોટ ક્રમસાર રહ્યા હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ ૯ કેસો સ્વાઈન ફલુ પોઝીટીવના ચાલી રહ્યા છે. પહેલા સ્વાઈન ફલુ એચ.૧, એન.૧ વાયરસ હતુ પરંતુ હવે તેમાં એચ.૩, એન.૨ વાયરસ ભળી જતા સ્વાઈન ફલૂ વધુ જોખમી બન્યું છે. સૌરાષ્ટ્રમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં કુલ ૩૬ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. સ્વાઈન ફલુથી થતા મોતનો ચોંકાવનારો આંકડો સામે આવતા લોકોમાં કહેર જોવા મળી રહ્યો છે. જેને પગલે સરકારે સ્વાઈન ફલુથી થતા મોતને પગલે ડેથ કમીટીની રચના કરી હતી, જેઓ દર્દીઓનાં મોત બાદ તેની તપાસ કરી સોશિયલ, મેડિકલ અન્ય બિમારીઓનું કારણની તપાસ કરે છે.
તેથી સ્વાઈન ફલૂમાં નોંધાતા અન્ય પોઝીટીવ કેસોનાં દર્દીઓની સારવાર માટે તારણ લગાવી શકાય જો દર્દીને અન્ય કોઈ બિમારી હોય તો તેની સારવારની પધ્ધતિ બદલવામાં આવે પણ ડેથ કમીટી પોતાની જવાબદારી નિભાવવામા સફળ ન રહી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં કુલ ૮૪૨ સ્વાઈન ફલુના કેસો આ વર્ષ નોંધાયા છે.જેમાંથી ૨૧ લોકોના મોત થયા છે. અડધો અડધ કેસો સૌરાષ્ટ્રના છે.
સ્વાઈન ફલૂથી થતા મૃત્યાંકમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી સૌકોઈ ચિંતામાં મુકાયા છે બુધવારે સ્વાઈન ફલૂને કારણે બે દર્દીના મોત નીપજયા છે. જયારે વધુ બે લોકો ફલૂ પોઝીટીવ હોવાના કેસ નોંધાયા છે. બુધવારના રોજ ધોરાજી પંથકનાં ૬૨ વર્ષિય વૃધ્ધ અને ગોંડલના ૪૦ વર્ષિય મહિલાનો સ્વાઈન ફલૂનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયારે ધોરાજીના ૬૦ વર્ષિય વૃધ્ધે આ ગંભીર બિમારીને કારણે દમ તોડયો છે. સ્વાઈન ફલૂ જેવા જીવલેણ રોગથી બચવા માટે યોગ્ય સુવિધા અને મેડિકલ સાધનોની આવશ્યકતા હોય છે. ત્યારે તમામ દર્દીઓને સારવાર ન મળતા મૃત્યાંક વધી રહ્યો છે. ફકત સિવિલ હોસ્પિટલમાંજ રોજના એકથી બે પ્રોઝીટીવ કેસો અને સ્વાઈન ફલૂથી થતા મોત સામે આવે છે. જેનું મુખ્ય કારણ રોગચાળા સામે પૂરી, તકેદારી ન લેવાતા હોવાનું સામે આવ્યું છે