રાજકોટ અને ઉપલેટાના બે દર્દીઓના મોતથી મૃત્યુઆંક ૩૮: ચાર દર્દીઓ સારવાર હેઠળ

વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ સ્વાઈન ફલુના કેસમાં પણ જાણે વધારો થયો હોય તે પ્રકારે રાજકોટમાં સ્વાઈન ફલુ હેઠળ રાજકોટ અને ઉપલેટાના બે દર્દીઓનો ભોગ સ્વાઈન ફલુએ લીધો હતો. સ્વાઈન ફલુમાં વધુ બેના મોતથી કુલ મૃત્યુઆંક ૩૮ સુધી પહોંચ્યો છે. જયારે વધુ ચાર દર્દીઓની હાલત ગંભીર જણાતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

થોડા સમયથી સ્વાઈન ફલુના કેસોના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો હતો. ત્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઈન ફલુએ ફરી દેખા દેતા રાજકોટમાં સ્વાઈન ફલુ હેઠળ સારવાર લઈ રહેલા રાજકોટ અને ઉપલેટાના બે દર્દીઓના મોત નિપજતાં મૃત્યુઆંક ૩૮ સુધી પહોંચ્યો છે.

રાજકોટની એરપોર્ટ રોડ ઉપર સખીયા નગરમાં રહેતા ૩૬ વર્ષની વયના યુવાનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. જયારે ઉપલેટામાં સ્વામીનારાયણ મંદિર નજીક કોલડી રોડ પર રહેતા ૩૦ વર્ષનો યુવાન પણ સ્વાઈન ફલુ બીમારીનો ભોગ બન્યો હતો. તેમજ રાજકોટ, ધોરાજી, ઉપલેટા અને પોરબંદરમાં ચાર દર્દીઓની હાલત ગંભીર જણાતા વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા છે.

બેંગ્લોર રહેતા મુળ રાજકોટના યુવાનની તબીયત બગડતા પરિવારજનોએ તેને રાજકોટ બોલાવી લીધો હતો. ૩ નવેમ્બર યુવાન રાજકોટ આવ્યા હતા. ત્યારબાદ સ્વાઈન ફલુનો રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સાથે પુત્રનો ચેપ માતાને પણ લાગતા તેમનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. માતાને સ્વાઈન ફલુમાં રિકવરી આવતા તેમને રજા આપવામાં આવી હતી. યુવાનની હાલતમાં સુધારો ન થતાં અંતે યુવાને દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

૧લી સપ્ટેમ્બરથી આજ સુધીમાં સ્વાઈન ફલુના કુલ ૧૪૫ કેસ ડીટેકટ થયા છે જેમાં ૩૮ વ્યક્તિઓના મોત નિપજયા છે. હાલ રાજકોટ, પોરબંદર, ધોરાજી અને ઉપલેટાના ચાર દર્દીઓ સ્વાઈન ફલુ વોર્ડમાં ગંભીર હાલત જણાતા વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ સિઝનમાં સ્વાઈન ફલુથી કુલ ૧૪ના મોત નિપજયા છે. જેમાં શહેરના ૪૯ દર્દીઓમાંથી ૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૪ દર્દીઓમાંથી ૫ના મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.