રાજકોટ અને જામનગરની હોસ્પિટલમાં સાત માસમાં ૩૩ને સ્વાઇનફલુ ભરખી ગયો: કચ્છમાં ૧૩ના મોત: સ્વાઇનફલુના ચાર પોઝીટીવ અને બે શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ

સ્વાઇનફલુએ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળો કહેર મચાવ્યો છે. ગત જાન્યુઆરીથી જુજુલાઇ માસ દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલની બીમારી સબબ દાખલ થયેલા સૌરાષ્ટ્રના ૩૩ દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે કચ્છમાં ૧૩ને સ્વાઇનફલુ ભરખી ગયો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢના જોષીપુરા વિસ્તારની કિષ્ના નિતીનભાઇ મહેતા (ઉ.વ.૭), ચોટીલા તાલુકાના મોલડી ગામના કાળીબેન મેરાભાઇ ગરચર (ઉ.વ.૫૫), જામનગર રણજીતનગર હુડકો વિસ્તારની ૭૦ વર્ષની વૃધ્ધા બાદ સવારે દિવના ઉકેડીબેન રામજીભાઇ બાંભણીયા નામના ૬૦ વર્ષના કોળી વૃધ્ધાનું મોત નીપજ્યું છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી સબબ દાખલ કરાયેલા ચાર દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને બે દર્દીનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે. સ્વાઇનફલુના કારણે રાજકોટ અને જામનગરની હોસ્પિટલમાં છેલ્લા સાત માસમાં ૩૩ દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે કચ્છના ૧૩ દર્દીઓને સ્વાઇનફલુ ભરખી ગયો છે. ભૂજની હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સ્વાઇનફલુના દર્દીની સારવાર કરતા તબીબ અને નર્સ પણ સાવચેતી રાખી રહ્યા છે. તેમજ દર્દીઓની સારસંભાળ કરતા સગા-સંબંધીઓને તકેદારી રાખવા સાવચેત કરવામાં આવતા હોવા છતાં સ્વાઇનફલુનો ચેપ શેર બજારની તેજીની જેમ આગળ વધી રહ્યો હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇનફલુના રોગચાળાએ ભરડો લેતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.