અમરેલી, જૂનાગઢ અને રાજકોટના પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ
સ્વાઈન ફલુનો પંજો વકરી રહ્યો હોય તેમ દિન-પ્રતિદિન સ્વાઈન ફલુ મૃત્યુઆંક અને દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ગરમી હોવા છતાં સ્વાઈન ફલુના વાયરસો પેયર્ન બદલી હોવાનું લાગી રહ્યું છે. સિઝનલ ફલુમાં વધુ મોરબીના લગધીરપુર ગામની મહિલા અને રાજકોટના વૃધ્ધાનું મોત નિપજયું હતું. જયારે અમરેલી, જૂનાગઢ અને રાજકોટના પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે વધુ ૪૭ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
વાતાવરણમાં ગરમીનું વાતાવરણ છવાયા છતાં પણ સ્વાઈન ફલુમાં દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય ક્ષેત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગત તા.૬ઠ્ઠી માર્ચના ચાર કલાકમાં ચાર દર્દીઓએ દમ તોડયો હતો. જયારે મોડીરાત્રે મોરબીના લગધીરપુર ગામની ૪૦ વર્ષીય મહિલા અને રાજકોટ શહેરની ૬૨ વર્ષીય વૃદ્ધાએ સારવારમાં દમ તોડયો હતો.
જયારે અમરેલીના સાવરકુંડલાના ૫૩ વર્ષીય પ્રૌઢ, જૂનાગઢ, વિસાવદરના ૪૦ વર્ષીય આધેડ અને રાજકોટના ૫૮ વર્ષીય પ્રૌઢ, ૪૦ વર્ષીય આધેડ અને ૩૫ વર્ષીય યુવાનની તબીયત લથડતા બ્લડ સેમ્પલ લેતા પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
રાજકોટ શહેરમાં ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ ૩૨૧ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ૭૨ દર્દીઓએ સ્વાઈન ફલુ સારવાર દરમિયાન દમ તોડયા હતા. હાલ રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાંથી શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ૪૭ દર્દીઓ સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે. રાજકોટ શહેરમાં માત્ર ૬ દિવસમાં ૧૭ દર્દીઓના મોત નિપજયા છે.