સીઝનલ ફલુમાં કુલ ૨૪ના મોત: અસરગ્રસ્તોનો આંક ૧૦૦ને પાર
સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુની સારવાર માટે રાજકોટ કેન્દ્રનું સ્થાન માનવામાં આવે છે ત્યારે રાજકોટમાં સ્વાઈનફલુના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સ્વાઈનફલુમાં ચારના મોત નિપજતા મૃત્યુઆંક ૨૪ સુધી પહોંચી ગયો છે. જયારે ૧૦૦થી વધુ દર્દીઓના કેસ સ્વાઈનફલુમાં નોંધાયા છે. જેમાંથી ૨૦ જેટલા દર્દીઓ હાલ સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર હેઠળ નોંધાયા છે.
માહિતી ખાતામાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સ્વાઈનફલુનો કહેર વધી રહ્યો હોય તેમ બે દિવસમાં માંગરોળના ૩૨ વર્ષીય યુવાન અને ૫૮ વર્ષીય રાજકોટની મહિલાના મોત નિપજતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. જયારે બે દિવસમાં અન્ય પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઈનફલુમાં દર્દીઓનો આંકડો ૧૦૦થી વધુ નોંધાઈ રહ્યો છે.
શનિવારના રોજ એક જ દિવસમાં ૩ દર્દીઓના મોત નિપજયા હતા. જેમાં માંગરોળના યુવાન કેશોદના પ્રૌઢ અને માળીયાહાટીનાની મહિલાનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉપલેટા અને ટંકારાના યુવાન, કેશોદની પ્રૌઢા અને રાજકોટના બે યુવાનના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
અત્યાર સુધીમાં તા.૧ સપ્ટે. થી તા.૧૪ ઓકટો. સુધીમાં સ્વાઈનફલુનાં ૧૦૪ દર્દીઓ નોંધાયા છે. તેમાં ૨૪ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જયારે ૨૦ દર્દીઓ હજુ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ગંભીર બિમારીમાં વધતા જતા દર્દીઓની સંખ્યાને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.