ત્રણ મહિલા અને ત્રણ પુરુષોનો રિપોર્ટ પોઝીટીવ: ૪૩ દર્દીઓ સારવારમાં
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુએ અજગર ભરડો લીધો છે. ગત સપ્ટેમ્બરથી સ્વાઈન ફલુનો હાહાકાર ચાલી ર્હ્યો છે. સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધીમાં ૧૫૮ કેસ નોંધાયા હતા. જયારે જાન્યુઆરીથી આજ સુધીમાં ૩૩૦ કેસ નોંધાઈ ચૂકયા છે અને સપ્ટેમ્બરથી આજ સુધીનો કુલ આંકડો ૫૫૬એ આંબી ગયો છે. મરણઆંક પણ સતત વધતો જ જાય છે. આજે વધુ બેના મોત થયા છે અને નવા ૬ દર્દીઓ દાખલ થયા છે. જેમાં ૩ મહિલા અને ૩ પુરુષનો સમાવેશ થાય છે. રવિવારે કાલાવડ રોડ પર રહેતા ભીમનગરના યુવાન તેમજ કોડીનાર તાલુકાના બરડા ગામના પ્રૌઢે દમ તોડી દીધો હતો.
રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં રહેલા નવા દરદીઓમાં રાજકોટના અયપ્પા ટેમ્પલ પાસે રહેતા ૫૯ વર્ષીય પુરુષ, મવડી બાયપાસ પાસે રાજકોટમાં રહેતા ૩૩ વર્ષીય મહિલા, જામજોધપુર તાલુકાના અમરાપુર ગામના ૪૫ વર્ષીય મહિલા, સાયલા તાલુકાના ભાડુકા ગામની મહિલા, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના યુવાન, જૂનાગઢ તાલુકાના કાથરોટાના પ્રૌઢનો સમાવેશ થાય છે.
સતત વધતા જતાં સ્વાઈન ફલુના કહેર સામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધુ એક કોડીનારના ૫૫ વર્ષીય પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડયો હતો. ૨૦૧૯ વર્ષની શરૂઆતથી જ સ્વાઈન ફલુએ પંજો ફેલાવ્યો હતો. અત્યાર સુધી ૩૩૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ૮૦ દર્દીઓને સ્વાઈન ફલુનો કહેર ભરખી ગયો છે અને હાલ ૪૩ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફલુ હેઠળ સારવાર લઈ રહ્યાં છે.