મચ્છરની ઉત્પતિ સબબ ૧૭૬ આસામીઓને નોટિસ: ૧૮૬, ઝાડા-ઉલ્ટીના ૮૨ અને અન્ય તાવના ૨૯ કેસો નોંધાયા

ઉનાળાના કાળઝાળ તડકામાં સ્વાઈન ફલુ અને ડેન્ગ્યુ જેવા રોગચાળો ગાયબ થઈ ગયો છે તો બીજી તરફ તાવ, અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મચ્છરની ઉત્પતિ સબબ ૧૭૬ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય અને તાવનાં ૧૮૬ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૨ કેસ, ટાઈફોઈડ તાવના ૩ કેસ, મરડાના ૭ કેસ, કમળા તાવના ૩ કેસ અને અન્ય તાવના ૨૯ કેસો નોંધાયા છે. જયારે ડેન્ગ્યુ અને સિઝનલ ફલુ અથાત સ્વાઈન ફલુનો એક પણ કેસ નોંધાયો નથી.

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૦,૫૫૬ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરોના નાશ માટે ૧૩૮૧ ઘરમાં ફોગીંગ હાથ ધરાયું હતું. શાળા-કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૨૧૬ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ હાથ ધરાયું હતું અને ૧૭૬ આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટીસ ફટકારવામાં આવી છે. ૨૭૭ ઘરોમાં પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૨ રેકડી, ૧૬ દુકાન, ૯ ડેરીફાર્મ, ૧૨ હોટલ, પ બેકરી સહિત ૮૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું અને ૪૭ વેપારીઓને નોટીસ ફટકારી ૧૯ સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.