ઝાલાવાડમાં ૬૦ દિવસમાં સ્વાઈન ફલુથી ૭ના મોત: આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરી પગલા લેવા માંગ
સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડબલ ઋતુ તેમજ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે શરદી ઉઘરસ ગળામાં બળવાની તકલીફ સહિતના લક્ષણો લોકોમાં વધુ જોવા મળી રહ્યા છે. અને જે પૈકી અમુક લોકોને સ્વાઈનફલુ પોઝીટીવ પણ આવ્યો હતો. અને સારવાર દરમ્યાન મોત નિપજયા હતા. છેલ્લા બે મહિનામાં જિલ્લાનાં પાટડી ૧, ધ્રાંગધ્રા ૧, મૂળી ૧, જોરાવરનગર ૧, અને વઢવાણ ૨ મળી ૬ વ્યકિતને સ્વાઈન ફલુ પોઝીટીવ આવતા અમદાવાદ ખાતે મોત નિપજયા હતા.
જયારે તાજેતરમાં રતનપર ખાતે રહેતા ૫૦ વર્ષિય પુરૂષને સામાન્ય શરદી ઉધરસ અને ગળામાં બળવાની તકલીફ થતા સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન મોત નિપજતા સ્વાઈન ફલુનો મૃત્યુ આંકમાં વધારો થયો હતો. અને કુલ મૃત્યુ આંક ૭ પર પહોચ્યો હતો. જિલ્લામાં દિનપ્રતિદિન સ્વાઈન ફલુના રોગે પગ પેસારો કર્યો છે. ત્યારે તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા તેની અસરથી શરદી ઉઘરસ ગળુ બળવાની તકલીફમાં વધારો થઈ રહ્યો છે. અને પરિણામે સ્વાઈન ફલુ પોઝીટીવ આવતા લોકોના મોત પણ થઈ રહ્યા છે. અને તંત્રની બેદરકારી સામે આવી રહી છે. અને તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સર્વે હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.