સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૦ દર્દીના રિપોર્ટ પોઝીટીવ
વકરતો સ્વાઈનફલુ દિનપ્રતિદિન એક પછી એક દર્દીઓનાં ભોગ લઈ રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં વધુ એક પ્રૌઢે દમ તોડતા કુલ મૃત્યુ આંક ૧૧૦ પર પહોચ્યો છે. સ્વાઈન ફલુથી ટપોટપ મરી રહેલા દર્દીઓથી આરોગ્ય તંત્ર જાણે સ્વાઈન ફલુને નાથવા નિષ્ફળ નીવડયું હોય તેવું સાબીત થઈ રહ્યું છે. સીવીલના સ્વાઈનફલુ વોર્ડમાં હાલ ૧૮ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં ૧૦ દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને બાકીનાં આઠના રિપોર્ટ આજ સાંજ સુધીમા આવશે. સીવીલ હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૨ કલાકમાં બે દર્દીઓના મોત નિપજયા છે. જેમા કાલે કાલાવાડના ખરેડી ગામના ૫૫ વર્ષનાં પ્રૌઢા અને ગત મોડી રાત્રે લોધીકા તાલુકાના પારડીના ૬૨ વર્ષના પ્રૌઢે હોસ્પિટલનાં બિછાને દમ તોડતા દાખલ દર્દીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.પારડીના પ્રૌઢને સ્વાઈન ફલુની સારવાર અર્થે ગત તા.૩ સપ્ટેમ્બરના રોજ સીવીલના સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તબીબો દ્વારા અપાતી સઘન સારવાર દરમિયાન પ્રૌઢે દમ તોડતા રાજકોટ હોસ્પિટલમાં કુલ મૃત્યુ આંક ૧૧૦ પર પહોચ્યો છે. સીવીલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૦ દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ છે. દાખલ દર્દીઓનાં રાજકોટ સીટીના છ, રાજકોટ જીલ્લાનાં પાંચ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીનાં એક એક દર્દીઓનો સમાવેશ થાય છે.