- આજે વિશ્ર્વ ડાયાબિટીસ દિવસ
- ભારતમાં 77 મિલિયન લોકો ડાયાબિટીસ ટાઈપ-2થી પીડીત, 25 મિલિયન પ્રિ-ડાયાબિટીક: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
- ગુજરાતની 20% વસ્તી ડાયાબિટીક: સંતુલીત આહાર પૂરતી ઉંઘ, વ્યાયામ જ એકમાત્ર ઉપાય
વિશ્ર્વ ડાયાબિટીસ દિવસ 2024 એ ડાયાબિટીસ વિશે જાગૃતિ લાવવા, સંભાળ અને નિવારણની હિમાયત કરે છે. ડાયાબિટીસ એ એક દીર્ઘકાલીન રોગ છે જે ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા જ્યારે શરીર તેના દ્વારા ઉત્પન્ન થયેલ ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. ડાયાબીટીસ એક એવી લાંબી બીમારી છે જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે 14 નવેમ્બરના રોજ ડાયાબિટીસ અંગે વૈશ્વિક જાગૃતિને વ્યાપક બનાવવા માટે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. ડાયાબિટીસના સ્વાસ્થ્ય જોખમો, નિવારક પગલાં સાથે ડાયાબીટીસને સાનુકૂળ રીતે મેનેજ કરી જીવવા પર આ ઉજવણી ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ષની થીમ, બ્રેકિંગ બેરિયર્સ, બ્રિજિંગ ગેપ્સ, દ્વારા ડાયાબિટીસના જોખમો ઘટાડવા અને ડાયાબિટીસનું નિદાન કરનારા દરેકને વાજબી, વ્યાપક, સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર અને સંભાળ મળવાની ખાતરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
ડબલ્યુએચઓના તાજેતરના સર્વેક્ષણ મુજબ ભારતમાં, 18 વર્ષથી વધુ ઉંમરના અંદાજિત 77 મિલિયન લોકો ડાયાબિટીસ (ટાઈપ 2) થી પીડિત છે અને લગભગ 25 મિલિયન પ્રિડાયાબિટીક લોકો છે, જેમને નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે. આરોગ્ય મંત્રાલયના હેલ્થ પ્રોફાઈલ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા અંદાજે 1,61,578 થી વધુ છે જે કુલ વસ્તીના 20.5 ટકા છે.
વૈશ્વિક સ્તરે ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ડાયાબિટીસના વધતા જતા દરદીઓને ધ્યાને લઇ આઈડીએફ અને ડબલ્યુએચઓ દ્વારા 1991માં વિશ્વ ડાયાબિટીસ દિવસની રચના કરવામાં આવી હતી. 2006માં, યુનાઈટેડ નેશન્સની સત્તાવાર માન્યતા બાદ ડાયાબિટીસની સારવારમાં ક્રાંતિ લાવનાર ઇન્સ્યુલિનના શોધક ચાલ્ર્સ બેસ્ટના સહ વૈજ્ઞાનિક સર ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસ 14 નવેમ્બરને પસંદગી કરી ઉજવણી કરવામાં આવી હતી.
ડાયાબિટીસ નિવારક ઉપાયો
ડાયાબિટીસના આનુવંશિક અને શરીરના સ્વયં પ્રતિરક્ષા સ્વરૂપોને રોકી શકાતા ન હોવા છતાં, થોડા પગલાંઓ પ્રિડાયાબિટીસ, સગર્ભાવસ્થા દરમ્યાનના ડાયાબિટીસ અને પ્રકાર 2 ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેમકે, તંદુરસ્ત, સંતુલિત આહાર લેવાથી, શારીરિક રીતે સક્રિય રહેવાથી જેવા કે, અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ દરરોજ 30 મિનિટની કસરત કરવાથી, તંદુરસ્ત વજન મેળવવું, તણાવ અને ચિંતાને મેનેજ કરવું, વ્યસન ન કરવા, પૂરતી અને તંદુરસ્ત ઊંઘ લેવાથી ડાયાબીટીસનું વ્યવસ્થાપન કરી શકાય છે. ડાયાબિટીસ ધરાવતા લાખો લોકો ઘર, કામ અને શાળામાં તેમની સ્થિતિનું સંચાલન કરવા માટે દૈનિક પડકારોનો સામનો કરે છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારા હાથ ધરવામાં આવેલા નવા વૈશ્વિક સર્વેક્ષણ દર્શાવે છે કે, ડાયાબિટીસ સાથે જીવતા 77% લોકો તેમના ડાયાબિટીસને કારણે ચિંતા, ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે. ડાયાબિટીસની સંભાળમાં આપણે ઘણીવાર ફક્ત બ્લડ સુગર પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને અન્ય તકલીફો પર ધ્યાન આપતા નથી. આ વિશ્વ ડાયાબિટીસ દિવસે ચાલો ડાયાબિટીસ સંભાળના કેન્દ્રમાં સુખાકારીને મૂકીએ અને વધુ સારી ઉશફબયયિંતજ્ઞિંકશરય માટે પરિવર્તનની શરૂઆત કરીએ.
- ડાયાબિટીસના પ્રકાર
- સામાન્ય રીતે 3 પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે:
પ્રકાર 1 ડાયાબિટીસ: પ્રકાર 1 ડાયાબિટીસમાં, શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી. જે શર્કરાને નિયંત્રિત કરવા અને દર્દીના અસ્તિત્વ બંને માટે જરૂરી છે. આ પ્રકારનું ડાયાબીટીસ જન્મજાત જોવા મળતું હોય છે. પ્રકાર 2 ડાયાબિટીસ: આ પ્રકારના ડાયાબિટીસમાં, શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા શરીરના કોષો ઇન્સ્યુલિન (ઇન્સ્યુલિન પ્રતિકાર) માટે સામાન્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી. આ પ્રકારનું ડાયાબીટીસ સામાન્ય રીતે જીવનમાં કોઇપણ તબક્કે થઇ શકે છે. વિશ્વમાં સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ આ પ્રકાર 2 ડાયાબીટીસના દર્દીઓ છે. આ પ્રકારના ડાયાબીટીસને જીવન શૈલીના પરિવર્તનથી મેનેજ કરી શકાય છે. સગર્ભાવસ્થા દરમ્યાનનું ડાયાબિટીસ: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં આ પ્રકારનું ડાયાબિટીસ વિકસે છે. સગર્ભાવસ્થા દરમ્યાનના ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીને જીવનના પછીના તબક્કે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે.
જંક ફૂડ, બેઠાડું જીવન અને બદલાયેલી જીવનશૈલીથી ડાયાબિટીસ વકર્યું: ડો અમિત હાપાણી
અબતક સાથે વાતચીત દરમિયાન ડો અમિત હાપાણી એ જણાવ્યું હતું કે, પ્રગતિ હોસ્પિટલ ત્રીસ વર્ષથી કાર્યરત છે તે અંતર્ગત આજે . ડાયાબિટીસ નો પ્રશ્ન જ્યારે ખૂબ જ વધી રહ્યો છે ભારતભરમાં ડાયાબિટીસનું ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અસંખ્ય ડાયાબિટીસના કેસ આવી રહ્યા છે ડાયાબિટીસ એ એવો રોગ છે જેથી લોહીમાં રહેલી સુગર હોય જે શરીરના અવયવોને પોષણ આપતી હોય છે પણ તેમની એક માત્રા હોય છે જો એ માત્રા ખૂબ વધી જાય તો એમને ડાયાબિટીસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ડાયાબિટીસના બે પ્રકાર છે. આપણને ડાયાબિટીસની અસર થાય ત્યારે સૌ પ્રથમ તરસ વધારે ,લાગવી ભૂખ, ખોરાક લેવા છતાં પણ નબળું દેખાવું, દર્દી જે છે એ એકદમ નિરાશ અને કમજોર જોવા મળે ત્યારે ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે ત્યારે યોગ્ય નિદાન કરાવવું જરૂરી બની રહે છે, વ્યક્તિઓને માતા પિતાના ડાયાબિટીસ છે અથવા તો કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે તેના ઘરમાં ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે ત્યારે ડાયાબિટીસથી બચવા માટે વ્યાયામ સૌથી કારગત ઉપાય છે . નિયમિત વ્યાયામ કરવો, 20 થી 25 મિનિટ ચાલવું, બહારનું ખાવાનું ટાળવું , વ્યસનથી દૂર રહેવું ,નિયમિત પરીક્ષણ કરાવું, પૂરતી ઊંઘ લેવી, આ બધી વસ્તુઓનું પાલન કરવાથી ડાયાબિટીસના રોગથી બચી શકાય છે. હાલમાં એવી કોઈ દવા નથી કે એવું કોઈ સાધન નથી કે ડાયાબિટીસ અટકાવી શકે. પરંતુ એટલી સારી દવા અને એટલી સારી સારવાર છે કે જેનાથી તમે ડાયાબિટીસ હોવા છતાં સારી રીતેસરળતાથી જીવી શકીએ છીએ, બહારનું ખાવાનું ટાળીએ, ટીવી જોતા જોતા અથવા તો ગેમ્સ રમતા રમતા જમવું ન જોઈએ, આ જંગફુડને કારણે આ શરીરને જાડુ થઈ જાય છે આ તમામ બેદરકારીથી ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે તેથી તેનો યોગ્ય ઈલાજ કરવો જરૂરી બને છે.
વ્યાયામ, મેડીટેશનનું દવાઓ જેટલું જ મહત્વ: ડો.દિગ્વિજયસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જણાવ્યું હતું કે, આજે અસંખ્ય દર્દીઓ અત્યારે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે ડાયાબિટીસ એટલે શુગરની માત્રા ખૂબ જ વધી જવી. જમ્યા પહેલા જો રિપોર્ટ કરાવ્યો હોય તો સુગર 110 થી વધારે આવતું હોય અને જમ્યા પછી જો રિપોર્ટ કરાવ્યો હોય ત્યારે સુગર 180 થી વધારે આવતું હોય તો તેને ડાયાબિટીસ તરીકે લેવામાં આવે છે. મુખ્યત્વે બે પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે અત્યારે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનની ઉત્પત્તિ નિયમિત કરતા ઓછા પ્રમાણમાં થતી હોય તેવી ડાયાબિટીસનો રોગ વધારે જોવા મળે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ખામી હોય તો તે નાની ઉંમરના લોકોમાં ખૂબ જ વધારે જોવા મળે છે. વારે- વારે પેશાબ લાગવો, પેશાબના ભાગે ક્ષાર જામી, તરસ લાગવી ,અચાનક વજનમાં ઘટાડો થવો , સહિતની સમસ્યા સાથે ડાયાબિટીસ થી અસંખ્ય લોકો પીડા રહ્યા છે, નિવારણ માટે ડાયાબિટીસનું યોગ્ય સમયે ચકાસણી કરવી , દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું બે વખત સુગર ટેસ્ટ કરાવવો આ ઉપરાંત, ખાસ કરીને જે લોકોને ફેમિલીમાં ડાયાબિટીસ છે તેવા લોકોએ સુગર ટેસ્ટ વધુ કરાવવું . ડાયાબિટીસમાં દવાની સાથે જીવન શૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે ખાનપાનમાં નિયમિતતા, એક્સરસાઇઝ , મેડીટેશન વજન ઘટાડવું, આ તમામ તકેદારી પણ દવા જેટલી જ મહત્વની છે.
ડાયાબિટીસને જળમૂળમાંથી દૂર કરી શકાતી નથી, પરંતુ તેને કંટ્રોલ કરી શકાય: ડો પંકજ પટેલ
અબતક સાથેની વાતચીતમાં ડો .પંકજ પટેલએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ એ એક એવો રોગ છે જેમાં શરીર સુગરનો વપરાશ ન કરતું હોય કે ઇન્સ્યુલિન બનતું ન હોય અથવા તો ઇન્સ્યુલિન પૂરેપૂરું બનતું ન હોય જેને સામાન્ય રીતે બ્લડ ની અંદર સુગર વધારે હોવું તેવું કહી શકાય. વર્તમાન સમયમાં નાની ઉંમરમાં જે ડાયાબિટીસ જોવા મળે છે ડાયાબિટીસના લક્ષણો જેવા કે અચાનક વજનમાં ઘટાડો થવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ વધારે જવું, પગમાં ખાલી ચડવી, કોઈપણ કારણોસર નબળાઈ આવે નીંદર આવે, આ બધા કોમન ડાયાબિટીસના લક્ષણો છે. ડાયાબિટીસને જળ મૂળ માંથી દૂર કરી શકાતી નથી પરંતુ તેને કંટ્રોલ શકાય છે. જંક ફૂડ , સ્મોકિંગ વ્યસનને ટાળવું જોઈએ, વજન કંટ્રોલ કરવો, નિયમિત ઊંઘ લેવી, જે લોકોને ડાયાબિટીસ છે તે આ બધી વસ્તુ ને ધ્યાનમાં લઇ રોજિંદા જીવનમાં પાલન કરવાથી ડાયાબિટીસનું પ્રમાણ ઘટતી શકે છે.
તંદુરસ્ત જીવનશૈલી એકમાત્ર ઉપાય: ડો.ચિંતન બુંદેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન ડોક્ટર ચિંતન બુંદેલા જણાવ્યું હતું કે, ડાયાબિટીસ એ મેટાબોલિક સિંદ્રોમ છે કે જેમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ફેડ ત્રણેયનું મેટાબોલીઝમ ત્રણેયમાં ફેરફાર થાય છે જેના લીધે સુગર વધી જાય છે તેને ડાયાબિટીસ કહેવાય છે પ્રેગનેન્સીમાં જે થાય જેસ્ટેટનલ ડાયાબિટીસ કહી શકીએ. ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં ત્રણ પીએ તરીકે આવે છે પોલિડિફસિયા, પોલીફેઝિયા, અને પોલિયુરિયા કહેવાય છે જેમાં માણસને વધારે તરસ લાગવી, વધારે ભૂખ લાગવી , વધારે પેશાબ લાગવો સમસ્યાઓ પેદા થાય છે. ડાયાબિટીસને અટકાવવા માટે લાઈફ ટાઈમ મોડીફીકેશન કરવા પડે છે. લાઈફ ટાઈમ મોડીફીકેશન એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ કરી શકીએ છીએ દરરોજની 20 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ. અને ત્રીજું ટ્રીટમેન્ટ તરીકે દવાઓ અને ઇન્સ્યુલિન નો ઉપયોગ કરીએ છીએ. ડાયાબિટીસ અત્યારે 30 થી મોટી ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે.