દર્દીઓને સારવાર માટે કોઇપણ પ્રકારના ચાર્જ વગર મશીન આપવામાં આવે છે
મોરબી પંથકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની ડીમાન્ડ સતત વધી રહી છે ત્યારે ઘણી વખત ઓક્સિજન સિલિન્ડર ન મળવાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવા સમયે દર્દીઓના પરિવારજનોને રાહત મળે તે માટે થઈને મોરબી શહેરના પીપળી રોડ ઉપર આવેલ સ્વીટ સિરામિકના તમામ સંચાલકો દ્વારા નિર્ણય કરીને હાલમાં છ જેટલા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન પંજાબથી મંગાવવામાં આવેલ છે અને કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર જે કોઈ પણ કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂર હોય અને જો તેમની પાસે હાજરમાં મશીન હોય તો આ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન તેમના દ્વારા દર્દીઓની સારવાર માટે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપવામાં આવે છે.
કોરોનાને કંટ્રોલ કરવા માટેના સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના લાખ પ્રયત્નો પછી પણ હજુ પણ કોરોના બેકાબૂ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે અને આજની તારીખે પણ કોરોના કેસની સંખ્યામાં સતત વધી રહી છે અને દર્દીઓને હોસ્પિટલમાં અથવા તો ઘરે સારવાર આપવામાં આવતી હોય છે તેમાથી ઘણા બધા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે આવા સમયે ઓક્સિજનના સિલિન્ડર કે પછી ઓક્સિજન બેડ હોસ્પિટલ અથવા તો કોરોના હેલ્થ સેન્ટરની અંદર ન મળતી હોય ત્યારે દર્દી અને દર્દીના પરિવાર તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે શહેરના પીપળી રોડ ઉપર આવેલ સ્વીટ સિરામિક વાળા વરસોલા જલ્પેશભાઈ મનસુખભાઈ (લાલાભાઇ) અને તેમના ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીમાં થોડી રાહત આપી શકાય તે માટે થઈને ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યા છે અને જે કોઈ દર્દીને ઓક્સીજનની જરૂરિયાત પડતી હોય અને જો તેઓની પાસે ઓક્સિજનના ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન હાજર હોય કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આપવામાં આવે છે.
વધુમાં માહિતી આપતા વડસોલા જલ્પેશભાઈએ જણાવ્યું હતું કે આજથી એક વર્ષ પહેલાં જ્યારે કોરોનાની શરૂઆત હતી અને કોરોનાનું સંક્રમણ શરૂઆતના તબક્કામાં હતું ત્યારે તેના કુટુંબી દાદા વરસોલા નરશીભાઈ મોહનભાઈને કોરોના થયો હતો અને ત્યારે તેમને માહિતી મળી હતી કે ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનનો ઉપયોગ કરીને સારવાર આપી શકાય છે માટે તે સમયે તેઓએ પોતાના કૌટુંબીક દાદા માટે પંજાબીથી એક ઇલેક્ટ્રીક ઓક્સિજન મશીન મંગાવ્યું હતું અને ત્યાર બાદ હાલમાં જ્યારે કોરોનાની બીજી લહેર છે ત્યારે લગભગ એકાદ મહિના પહેલા તેમણે અંદાજ આવી ગયો હતો કે ભવિષ્યમાં ઓક્સિજનની ડિમાન્ડ વધશે જેથી કરીને વડસોલા જલ્પેશભાઈએ અને તેમના ગ્રૂપ દ્વારા વધુ પાંચ ઓક્સિજનના ઇલેક્ટ્રીક મશીન મંગાવવામાં આવેલ છે અને હાલમાં આ છ મશીન તેઓ કોરોનાગ્રસ્ત દર્દી માટે આપતા હોય છે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે અને કોઈપણ જગ્યાએ હોસ્પિટલ કે કોરોના હેલ્થ સેન્ટરમાં જગ્યા મળતી ન હોય અથવા તો ઓક્સિજન સિલિન્ડર ન મળતા હોય તેવા દર્દીઓના પરિવારજનો તેમનો સંપર્ક કરે તો તેમને સારવાર માટે ઇલેક્ટ્રીક મશીન આપવામાં આવતા હોય છે અને દર્દી તેનાથી રાહત મેળવી શકતા હોય છે.આ સેવાનો લાભ લેવા માટે થઇને કોઈપણ વ્યક્તિ 99044 82222 નંબર ઉપર સંપર્ક કરે તો જો તે લોકો પાસે હાજરમાં ઇલેક્ટ્રીક ઓક્સિજન મશીન હોય તો તે દર્દીની સારવાર માટે આપવામાં આવતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી આ મશીન મામૂલી રકમમાં મળે છે ત્યારે જો અહીના ઉધ્યોગકારો સહિતના શ્રીમંતો દ્વારા તે વાસવી લેવામાં આવે તો ભવિષ્યમાં આ મશીન દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી