રાજકોટમાં વર્ષોથી ચિકી બજારનું હબ ગણાતું સદર બજારમાં શિયાળાના પ્રારંભથી અવનવી ચિકી સાથે ધમધમવા માંડયું છે. સૌરાષ્ટ્રમાં તેમજ રાજકોટમાંથી લોકો ચિકી લેવા માટે સદર બજાર પસંદ કરે છે. તેમજ વિદેશમાં પણ રાજકોટ સદર બજારમાંથી જ વિવિધ ફલેવરની ચિકી પહોંચાડવામાં આવે છે. આથી ચિકી માટે વખણાતુ સદર બજારમાં નતનવી ચિકીઓ આવી ગઈ છે.
શિયાળામાં હેલ્થ માટે ઉતમ ગણાતી ચિકીમાં ગોળ, ખાંડ, સુગરલેશ, ખજુરથી બનતી ચિકીઓમાં અનેક ફલેવર આવી છે. વર્ષોથી સદર બજારમાં એક જ સ્વાદમાં ચિકીઓ મળે છે. જુના અને જાણીતા સંગમ ચિકીવાળા સલિમભાઈએ ચિકીની માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન ૧૦ મહિના ચિકી બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રથી વિદેશ સુધી ચિકી પહોંચાડવામાં આવે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૪૦ પ્રકારની ચિકીઓ મળે છે. જેમાં આ વર્ષે નવી ૨ ચિકીઓ બનાવવામાં આવી છે. જેમાં સિંગકતરી અને બબલી ચિકીનો ઉમેરો કરાયો છે. ગોળની સીંગ ચિકી, તલ ચિકી, કાજુબદામ પીસ્તા ચિકી, કાળા તલની સફેદ ચિકી, લીલા નાળીયેરનો હલવો, ડ્રાયફ્રુટ મિકસ ચિકી સહિતની ૪૦થી વધુ પ્રકારની ચીઠીઓ બજારમાં વેચાઈ રહી છે. હેલ્થ માટે સુગરલેશ ખજુરપુરી, બોનબોન ચિકી, ગોળમાં કાજુ બદામ પીસ્તા રોસ્ટેટ, ગોળમાં કેશર કાજુ રોસ્ટેટ, રેગ્યુલર ગોળ સીંગ, તલની વધુ ઉતમ ગણાય છે. ચિકી રૂ.૨૦૦ થી લઈને ૧૨૦૦ રૂપિયા સુધીનો ભાવ છે. ગત વર્ષની સરખામણીએ ૫ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ ડબલ ઋતુના કારણે ધરાકી ઓછી જોવા મળે છે.
રંગીલા રાજકોટના રાજકોટવાસીઓને ગોળની ચિકી વધુ પ્રિય છે. રાજકોટમાં ઓછા ગોળની ક્રસ કરેલી સીંગની ચિકી, બોનબોન ચિકી, રેગ્યુલર સિંગ, તલ, ડારિયાની ચિકી, ગોળ સિંગ, ટોપરાની ગોળ, ડ્રાયફ્રુટ મિકસ ચિકી, તલ, મમરાના લાડુ, સફેદ તલ, કાળા તલનું કચરીયુ સહિતનું વધુ વેચાય છે.
અત્યારે સદર બજારમાં વેપારી અને કારીગરીઓ ચિકી બનાવવામાં વ્યસ્ત છે. કોઈપણ ફલેવરની ચિકી ૪૫ દિવસ સુધી સાચવી શકાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેવો ઠંડીનો ચમકારો થશે તે સદર બજારમાં રાજકોટવાસીઓ ઉમટી પડશે. તેમ સંગમ ચિકીવાળા સલીમભાઈએ જણાવ્યું હતું.