ભરતી પ્રશ્ને છેલ્લા ૪ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહેલા સફાઈ કામદારો આજે હડતાલ પર ઉતર્યા: તમામ વોર્ડમાં કોન્ટ્રાકટ બેઈઝ અને મિત્રમંડળોના કામદારો દ્વારા સફાઈ
૩૮૦૦ પૈકી ૧૦૦૦થી વધુ સફાઈ કામદારો સામુહિક રજા પર: આંબેડકરની પ્રતિમાથી કોર્પોરેશન સુધી વિશાળ રેલી: પ્રશ્ન નહીં ઉકેલાય તો સોમવારથી આત્મવિલોપનની ચીમકી
કોર્પોરેશન દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી ન હોય અખિલ વાલ્મીકી સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. મહાપાલિકા દ્વારા માંગણી ન સંતોષાતા આજે શહેરમાં ૧ હજારથી વધુ સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા જોકે શહેરના એક પણ વોર્ડમાં સફાઈ કામગીરી પર બહુ અસર પડી ન હતી. સફાઈ કામદારોએ સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત આંબેડકરજીની પ્રતિમાથી મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી સોમવારથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હડતાલ દરમિયાન વેસ્ટ ઝોનમાં ટીપરવાનની ચાવી આંચકી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં આજે સફાઈ કામદારોએ હડતાલ પાડી હતી. મહાપાલિકામાં ૨૩૫૦ કાયમી સફાઈ કામદારો અને ૧૪૫૦ જેટલા કોન્ટ્રાકટ બેઈઝ કામદારો છે. શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં આજે ૨૫ ટકા એટલે કે એક હજાર જેટલા સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા જોકે અગાઉથી જાહેરાત કરી આજે હડતાલ પાડવામાં આવી હોય મહાપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના તમામ વોર્ડમાં આજે કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારો અને મિત્ર મંડળના કામદારો દ્વારા સફાઈ કરાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક હજાર સફાઈ કામદારોની હડતાલના કારણે સફાઈ કામગીરી થોડી ડિસ્ટબ થવા પામી હતી. અમુક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા કલાકો મોડા સાવેણા લાગ્યા હતા. વોર્ડ નં.૯માં હડતાલની સૌથી વધુ અસર જોવા મળી હતી. અહીં માત્ર ૨૨ જ સફાઈ કામદારો કાર્યરત છે જે પૈકી ૫૦ ટકા જેટલા હડતાલ પર હોવાના કારણે અહીં કામગીરી પર અસર વર્તાય હતી. વેસ્ટ ઝોન વિસ્તારમાં હડતાલના પગલે અમુક લોકોએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે આવતી ટીપરવાનની ચાવી આંચકી લેવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસે તાળાબંધી પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮ જયારે વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં ૨૨ થી ૨૫ ટકા સફાઈ કામદારોની ગેરહાજરી જોવા મળી હતી. ભરતી પ્રશ્ને છેલ્લા ૪ દિવસથી આંદોલન ચલાવી રહેલા સફાઈ કામદારોએ આજે સિવિલ હોસ્પિટલ ચોકથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી. તેઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા ઈચ્છતા હતા પરંતુ કમિશનર આજ ગાંધીનગર હોવાના કારણે આવેદન આપી શકયા ન હતા. સફાઈ કામદારોના આગેવાનોએ કોર્પોરેશન કચેરીના દરવાજા પાસે રેલી બાદ સભા સંબોધતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. દરમિયાન એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો મ્યુનિસિપલ કમિશનર આવેદન નહીં સ્વિકારે અને માંગણીઓ નહીં સંતોષે તો આગામી સોમવારથી સફાઈ કામદારો આત્મવિલોપન કરશે.