સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી.કલેકટર કચેરી ખાતે યોજાયેલી સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા, અને છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનના પ્રયત્નોની સરાહના કરી હતી.

રાજકોટની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારે કર્યા વિચાર વિમર્શ

સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા વગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારને આ મિટિગમાં આવકાર્યા હતા, જ્યારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોના કાળમાં સફાઈ કામદારોએ કરેલી કામગીરીની સરાહના કરી હતી.અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સી.એન.મિશ્રાએ રાજકોટ જિલ્લામાં સફાઈ કામદારોને અપાયેલી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની આંકડાકીય વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, અધિક કલેકટર કેતન ઠક્કર, નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ શાહ, સફાઇ કર્મચારી આયોગના અધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.