રાજકોટ સહિતના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો પટકાયો: હવે ઠંડીનું જોર વધશે
રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ હવે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. આજથી સ્વેટર, જેકેટ અને મફલર સહિતના ગરમ વસ્ત્રો દેખાવા લાગ્યા છે. આજે રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. દરમિયાન હવે ક્રમશ: ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો દેખાવા લાગ્યો છે. રાજકોટનું લઘુત્તમ તાપમાન ગઇકાલે 18.5 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. દરમિયાન આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો પટકાયો હતો.
આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક નોંધાય હતી. સવારે 8:30 કલાકે તાપમાન 21 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.
આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 14.4 ડિગ્રી, બરોડાનું તાપમાન 14.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 19 ડિગ્રી, નલીયાનું તાપમાન 16.4 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 19.6 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વહેલી સવારે આજે રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બપોરના સમયે હજી થોડી-ઘણી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં હવે ક્રમશ: ઠંડીનું જોર વધતું રહેશે. ડિસેમ્બર માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે.
સામાન્ય રીતે દિવાળીના તહેવાર બાદ ગુલાબી ઠંડી વર્તાવા લાગતી હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી વિત્યાના એક મહિના બાદ પણ હજી શિયાળો બરાબર જામતો નથી. છેલ્લા એકાદ સપ્તાહથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જો કે હવે એકાદ સપ્તાહમાં શિયાળો જમાવટ કરશે.