કેન્દ્ર સરકાર આજે શહેરોમાં આધુનિક અને સુરક્ષિત જાહેર પરિવહન સેવાઓ માટે સતત પ્રયત્નશીલ: કેન્દ્રીય આવાસ- શહેરી મંત્રી મનોહર લાલ

ભારતમાં મેટ્રો નેટવર્કના માધ્યમથી દૈનિક અંદાજિત એક કરોડથી પણ વધુ નાગરિકો મુસાફરી કરી રહ્યા છે :-કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી તોખન સાહુ

મહાત્મા મંદિર ખાતે “17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024″નો સમાપન કાર્યક્રમ યોજાયો:ઊર્જા મંત્રી કનુ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ

આગામી વર્ષ 2025માં 18 મી UMI કોન્ફરન્સ હરિયાણાના ગુડગાંવમાં યોજાશે

મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં ત્રિવસીય “૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024″નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના નાણા- ઊર્જા મંત્રી કનુ દેસાઈ તેમજ ઓડીસાના શહેરી મંત્રી કે. સી. મહાપાત્રા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

સમાપન સમારોહમાં કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, સફળ અર્બન મોબિલિટી એ નાગરિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી પૂરી પાડવી પૂરતું સિમિત નથી, પરંતુ દરેક નાગરિકનું જીવન સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવું સાથેસાથે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી પ્રદૂષણ ઘટાડવું,જેથી ભાવિ પેઢીનું જીવન વધુ સારું-સલામત બની શકે. ભારત સરકાર આજે શહેરોમાં આધુનિક અને સુરક્ષિત પરિવહન સેવાઓ માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્માર્ટ સિટી મિશન અને અટલ મિશન એ ઇન્ટિગ્રેટેડ અર્બન મોબિલિટીના પાયા હતા. પીએમ ઇ-બસ સેવા થકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાને વધુ સારી બનાવાઈ છે.

મેટ્રો સેવા વિશે મંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશમાં મેટ્રોની સેવા 23 જેટલા શહેરોમાં 989 કિલોમીટરના વિસ્તારમાં વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યમાં 974 કિલોમીટરમાં વિસ્તારવામાં આવશે. દેશભરમાં દરરોજ અંદાજિત 1 કરોડ મુસાફરો મેટ્રો સેવાનો લાભ લઈ રહ્યા છે. ભવિષ્યમાં મેટ્રો નેટવર્કની લંબાઈના સાપેક્ષે ભારતમાં વિકસી રહેલ મેટ્રો નેટવર્ક એ ચીન પછી બીજા મોટા નંબરની સેવા બનશે.

મંત્રી મનોહર લાલે ઉનેર્યું હતું કે શહેરોમાં વધતી વસ્તીના કારણે તેમને મળતી માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થવો જોઈએ. જે માટે આપણા શહેરોને વધુ અનુકૂળ, કનેક્ટિવ અને સ્થિતિસ્થાપક બનાવવા જોઈએ. મંત્રી શ્રી મનોહર લાલે આ કોન્ફરન્સમાં ભાગ લેતા દરેક સહભાગીઓ તથા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ આગામી વર્ષ 2025માં 18મી UMI કોન્ફરન્સ હરિયાણાના ગુડગાંવમાં તા.24 થી 26 ઑકટોબર દરમિયાન યોજાશે તેની જાહેરાત કરીને સૌને સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

કેન્દ્રીય આવાસ અને શહેરી રાજ્ય મંત્રી શ્રી તોખન સાહૂ એ કૉન્ફરન્સની સફળતાને બિરદાવતા જણાવ્યું હતું કે, વર્ષ -2008થી શરૂ થયેલી અર્બન મોબોલિટી ઇન્ડિયા એ ભારતના શહેરી અને મહાનગર વિસ્તારોમાં વિકાસની કાયાપલટ કરવા માટે મહત્વની કામગીરી કરી રહી છે. આજે ભારતમાં મેટ્રો નેટવર્કનાં માધ્યમ થકી અંદાજિત દૈનિક એક કરોડથી પણ વધુ નાગરિકો મુસાફરી કરી રહ્યા છે. નાગરિકોને મુસાફરીની સુવિધામાં મેટ્રો સેવા તેમજ ઈ-બસ સેવા મહત્વની પુરવાર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2025માં ભારતને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં ભારત સરકારના શહેરી વિકાસ વિભાગની ખૂબ જ મહત્વની ભાગીદારી હશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારની કોન્ફરન્સ થવી એ ભારત માટે પરિવહન ક્ષેત્રે નવી દિશાની શરૂઆત છે, કોન્ફરન્સ ના માધ્યમથી મેટ્રો સિટીના મેટ્રો રેલના મેનેજિંગ ડિરેક્ટરો વચ્ચે સંવાદ, રાજ્યો-રાજ્યો વચ્ચે પરિવહન અંગેની ચર્ચા, જેવા મહત્વના સત્રોમાં નાગરિકોને પરિવહનની વધુ સારી સુવિધાઓ કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં સાહૂએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના નાગરિકો માટે સડકથી હવાઈ સુધીની યાત્રા વધુ સુદ્રઢ બની છે. દેશભરમાં એક્સપ્રેસ હાઇવે, ફોરલેન અને સિકસલેન હાઇવે જેવા હાઈવેનું નિર્માણ થયું છે. ભારતના દરેક નાગરિક પોતાના ક્ષેત્રોમાં 100ટકા યોગદાન આપશે ત્યારે જ ભારત વર્ષ 2047માં વિકસિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલયના સચિવ કે.શ્રી નિવાસે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,ભારતીય શહેરોના સર્વાંગી વિકાસ માટે ‘અર્બન મોબિલિટી’ કોન્ફરન્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. અર્બન મેટ્રો રેલ, સ્માર્ટ સિટી, અમૃત, PM ગતિ શક્તિ, PM બસ‌ સેવા સહિતની જાહેર પરિવહન સેવા શહેરી નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. જાહેર પરિવહન સહિત ભારતના શહેરોને વધુને વધુ  કેવી રીતે રહેવા લાયક બનાવવા તે દિશામાં આ કોન્ફરન્સમાં મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વિચાર- વિમર્શ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ને આપણે ‘વિકસિત અર્બન ભારત’ના સ્વપ્નથી સાકાર કરવાની દિશામાં સંયુક્ત રીતે કામ કરીશું તેમ’ તેમણે  ઉમેર્યું હતું.

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ જયદીપે આ ત્રિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા બદલ સહભાગી તમામ મહાનુભાવો, ડેલિગેટસ્  તેમજ કંપનીઓનો પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

આ સમાપન સમારોહમાં ગાંધીનગર સહિત વિવિધ મહાનગરપાલિકાના મેયરશ્રીઓ,ગુજરાત શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ગુજરાત મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ.એસ.રાઠોડ,

મ્યુનિસિપલ કમિશનરઓ,

સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, પ્રતિનિધિઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેકટરશ્રી, ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ્સ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તેમજ વ્યાવસાયિકો સહભાગી થયા હતા.

ઉલ્લેખનીય છે કે,આ ત્રિદિવસીય પ્રદર્શનમાં ભારત અને વિદેશમાં શહેરી પરિવહનના ઉત્તમ પ્રકારો, અદ્યતન શહેરી પરિવહન ટેકનોલૉજી, સેવાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન સ્થિતિનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં મેટ્રો રેલ કંપનીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના લગભગ ૭૬ જેટલા પ્રદર્શકો ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ અને એક્સ્પોમાં GIZ, એશિયન ડેવલપમેન્ટ બેંક, યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર-CEEW, WRI ઇન્ડિયા, ધી અર્બન કેટલીસ્ટ, TERI, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને CEPT-અમદાવાદ જેવી વિશ્વની પ્રતિષ્ઠિત 9 સંસ્થાઓ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી થઈ હતી. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં 8 ટેકનીકલ સેશન, 9 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, 8 રીસર્ચ સિમ્પોઝીયમ અને એક પ્લેનરી સેશન સહિતના વિવિધ સેશનો યોજાયા હતા.

આ ત્રિદિવસીય કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ઇન્સ્ટિટ્યુટ ઑફ અર્બન ટ્રાન્સપોર્ટ (ઈન્ડિયા) દ્વારા ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સહકારથી યોજવામાં આવ્યો હતો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.