અમદાવાદના નરેન્દ્રભાઇ મોદી સ્ટેડિયમમાં યોજાશે શપથવિધી સમારોહ
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સત્તારૂઢ થવા જઇ રહ્યું છે. આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 14મી વિધાનસભાનું વિસર્જન કરી દેશે. આગામી રવિવારના રોજ નવી સરકારની શપથવિધી અમદાવાદના નરેન્દ્રભાઇ મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.
ટૂંકમાં કમૂરતા પહેલા ગુજરાતમાં નવી સરકાર કાર્યરત થઇ જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ ભાજપ દ્વારા નવી સરકાર બનાવવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે બપોરે દિલ્હી સ્થિત ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચના અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સાંજ સુધીમાં સીએમ પદેથી રાજીનામું આપી દેશે અને રાજ્યપાલ સમક્ષ 14મી વિધાનસભાનું વિસર્જન કરવા માટેની દરખાસ્ત કરશે ત્યારબાદ આવતીકાલે તેઓ નવી સરકાર રચવા માટેનો દાવો કરશે. નવી સરકારની શપથવિધી આગામી રવિવારે યોજાશે.
લોકશાહીની સૌથી સુંદર તસવીર
ધોરાજી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાની શરણાગતિ
વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના બે કલાકમાં જ ધોરાજીના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આપ દ્વારા કરવામાં આવેલા મત વિભાજનના કારણે હાર થઈ હોવાની વાત સ્વીકારી હતી. જેથી કોંગ્રેસની થોડી ઘણી વધેલી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોવાનું લાગી રહ્યું છે. પાચ રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે હું સામેથી હાર સ્વીકારી આપ દ્વારા કરવામાં આવેલા મત વિભાજનના કારણે પોતે હાર્યા હોવાનુ તેઓએ જણાવ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે ધોરાજીમાં ભાજપ ઉમેદવાર હજારોની લીડથી આગળ ચાલી રહ્યા છે.
ગાંધીધામ કોંગી ઉમેદવાર ભરત સોલંકી ઇવીએમમાં ગોટાળાના આક્ષેપો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ
વિધાનસભાની આજે યોજાયેલી મત ગણતરી દરમિયાન કચ્છ જિલ્લાના કેન્દ્રમાં ગાંધીધામ ખાતે મત ગણતરી કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ ઇવીએમમાં ગોટાળા ના આક્ષેપ સાથે ગળાફાસા ખાવાનો પ્રયાસ કર્યો છે. આ બનાવથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે તેને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મત ગણતરીમાં ભાજપ સતત આગળ રહેતા તેમને ઇવીએમમાં ગોટાળો હોવાના આક્ષેપો સાથે ગળાફાંસો ખાય આપઘાત નો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.