ઘ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત વાજતે-ગાજતે ઘ્વજાયાત્રા નિકળશે જેમાં વિવિધ સંસ્થાઓ અને સમુદાયનાં લોકો બહોળી સંખ્યામાં જોડાશે: આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા લઈ આયોજકો ‘અબતક’ને આંગણે
પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે, દરેક જીવ શિવમય બની ગયા છે, ઠેર-ઠેર શિવમંદિરમાં ભકતોની ભીડ જોવા મળે છે. રાજકોટનાં રામનાથપરા વિસ્તારમાં અનેક મંદિર આવેલ છે તેમાં રાજકોટના રાજા સ્વયંભૂ રામનાથ મહાદેવ પણ બીરાજમાન છે. જે આજી નદીનાં પટમાં આશરે ૪૦૦ વર્ષથી બીરાજે છે. શ્રાવણ માસ દરમ્યાન લાખો ભાવિકો દાદાનાં દર્શન કરી મન પવિત્ર કરી આત્માનું કલ્યાણ કરે છે. તો આવા કૃપાળુ રામનાથ મહાદેવને, રામનાથ મહાદેવ ઘ્વજારોહણ સમિતિ દ્વારા સતત ૧૧ વર્ષ થયા વાજતે-ગાજતે રામનાથ મહાદેવને ઘ્વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત ૧૨ વર્ષ પૂર્વે ભાઈ સ્વ.બકુલભાઈ વોરાએ શરૂઆત કરેલ હતી તે યાત્રા આ વર્ષે પણ રાખવામાં આવેલ છે. આવતીકાલે શનિવારનાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઘ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયાનાકાથી વાજતે ગાજતે ઘ્વજાયાત્રા રાખેલ છે. જે યાત્રા પણ સામાજીક સમરસતાનાં માધ્યમ સાથે દલિત સમાજ તથા વાલ્મીકી સમાજનાં બહેનો દ્વારા દાદાની ઘ્વજા માથે ચડાવી શરૂઆત કરે છે.
યાત્રાની અંદર અંદાજે એકાવન કરતા વધારે સામાજીક સંસ્થાઓ તથા અનેકવિધ સમાજ પણ સાથે જોડાયેલ છે. આમ રામનાથપરાનાં દરેક રહેવાસી આ યાત્રામાં જોડાઈને પોતાને નસીબદાર ગણે છે. યાત્રા એકદમ શિસ્ત સાથે નીકળે છે. આગળ હિન્દુ સંસ્કૃતિનું ચિન્હ ભગવા ઘ્વજની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત થાય છે. યાત્રાની અંદર આવતા દરેક વ્યકિત ધર્મઘ્વજની પાછળ ચાલીને યાત્રા સંપન્ન કરે છે. યાત્રામાં ડી.જે.નું પણ આકર્ષણ રાખવામાં આવે છે જેમાં શિવજીનાં ભજનો વગાડવામાં આવે છે અને ભાવિકો ભકિતમય હર્ષ સાથે જેમ જીવમાં શિવ ભળે તેમ નાચગાન કરતા હોય છે. આ યાત્રામાં મુખ્ય ઘ્વજા ઉપરાંત અનેકવિધ સંસ્થા દ્વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે નવ ઘ્વજા ચડાવવામાં આવશે જેમાં બ્રાહ્મણ સમાજ, બંગાળી સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, સિંધી સમાજ, ખવાસ રાજપુત સમાજ, નેપાળી સમાજ, ગૌરક્ષા દળ ગુજરાત, દલિત સમાજ તેમજ આ સાથે અલગ-અલગ સંસ્થા તથા અલગ-અલગ સમાજનાં લોકો સાથે રામનાથદાદાની ઘ્વજા પણ ચડાવવામાં આવશે.
યાત્રાને આકર્ષક બનાવવા માટે ભરવાડ સમાજનાં યુવાનો લાઠીદાવ કરે તે મુખ્ય આકર્ષણ જોવા મળે છે. યાત્રા કિશોરસિંહજી સ્કુલથી શરૂ થઈ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ રસ્તામાં ઠેર-ઠેર ઘ્વજા યાત્રાનું ગરૂડ ગરબી મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ, સિંધી સમાજ વગેરે સમાજ અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. આ તકે આયોજકો નિલેષભાઈ વોરા, નૈમિષભાઈ મડીયા, કલ્પેશ ગમારા, મહેશભાઈ મિયાત્રા સહિતનાંઓએ અબતકની મુલાકાત લીધી હતી.