જેની પાસે રાહ જોવાની ધીરજ છે તે લક્ષ્યને પામે છે: પૂ.નમ્રમુનિ મ.સા.
અબતક, રાજકોટ
શ્રેષ્ઠની પ્રાપ્તિના પુરુષાર્થમાં નિષ્ફળતાની વચ્ચે પણ ધૈર્યતા ગુણને વિકસાવી સફળતાની મંઝિલ પામી લેવાની શ્રેષ્ઠ પ્રેરણાનું પાથેય કંડારી ગયો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં નવ નવ પુણ્યાત્માઓના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો “સંયમ સ્પર્શનમ્ ઉત્સવ.”
સમગ્ર ભારતના 108થી વધુ શ્રી સંઘો, અમેરિકાની શિરસસ્થ સંસ્થા જૈનાથી જોડાએલાં નોર્થ અમેરિકાના 70થી વધારે સેન્ટર્સના હજારો ભાવિકો, અનેક મહિલા મંડળો, અનેક સંસ્થાઓ, સમગ્ર ભારત તેમજ વિદેશના અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો દ્વારા નવ નવ મુમુક્ષુ આત્માઓનો દીક્ષા મહોત્સવનો આજનો આ માંગલિક અવસર વંદિત, અભિવંદિત અને અનુમોદિત થયો હતો.
પુરૂષાર્થ કર્યા છતાં શ્રેષ્ઠની પ્રાપ્તિ ન થાય તો તે પ્રાપ્તિનો ઉપાય છે અનુમોદના: પૂ.ગુરૂદેવ
પરમધામના પાવન પ્રાંગણે રચાએલાં ડુંગર દરબારના વિશાલ શામિયાણામાં અત્યંત ભક્તિભાવે કરવામાં આવેલી મુમુક્ષુ નિધીબેનની પાવન પધરામણી સાથે જ ઉપસ્થિત ભવ્ય જીવોને આત્મબોધ પમાડવાની કરૂણા વરસાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, દરેક હૃદય શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટે સમયની પણ રાહ જોવી પડે છે. પૂર્ણ પુરુષાર્થ કર્યા બાદ પણ જ્યારે પરિણામની પ્રાપ્તિ ન થાય ત્યારે પરમાત્મા કહે છે કે તારી અંદરના ધીરજના ગુણને તું વિકાસાવી રહેજે. ધૈર્યતાના એ ગુણમાં એવી સક્ષમતા હોય છે જે જીવને આત્મધર્મની પ્રાપ્તિ કરાવી શકે. જેની પાસે ધીરજ છે, જેની પાસે રાહ જોવાની તૈયારી છે, તે સફળતાની મંજિલને પામી શકે છે. જીવનની યાત્રામાં જે ધીરજ રાખે છે તેને સમાધિ મળે છે અને જેની પાસે ધીરજ નથી હોતી એના જીવનમાં ઉપાધિ હોય છે.
વિશેષમાં, આ અવસરે સર્વત્ર માંગલ્યતાના અમી છાંટણા વરસી ગયાં હતાં જ્યારે દીક્ષાર્થીઓના માતા-પિતા દ્વારા લીલા વસ્ત્ર પર દીક્ષાર્થીઓના સંયમ જીવન ઉજળું બને તેવી ભાવના સાથે શુકનવંતા સ્વસ્તિકની આકૃતિનું કંકુવર્ણે આલેખન કરવામાં આવ્યું હતું. એ સાથે જ ઉપસ્થિત સંત-સતીજીઓ અને દીક્ષાર્થીઓ દ્વારા સ્વસ્તિક વિધિના શુભ આલેખન કરવામાં આવ્યાં હતાં. હજારો ભાવિકોના હાથ અહોભાવથી અંજલિબધ્ધ બની ગયાં હતાં જયારે પરમ ગુરુદેવના હસ્તકમલથી દીક્ષાર્થીઓના રજોહરણ બંધનના દિવ્ય દર્શન દિદાર થયાં હતાં. પરમ ગુરુદેવના શ્રી મુખેથી દીક્ષાના દિવ્ય દાન પામનારા સંયમી આત્માઓના સંયમ ભાવોથી આ લેખિત સુંદર પુસ્તિકા “ધ વોર વીધીન” નું આ અવસરે દીક્ષાર્થીઓના ધર્મ માતા-પિતાના હસ્તે વિમોચન કરવામાં આવતાં સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.
“વર્ષોના વર્ષો સુધી ભાઈના હસ્તે રક્ષાબંધન કરી હવે સમગ્ર વિશ્વના જીવોની રક્ષા કરવા હું સંયમ માર્ગે જઈ રહી છું.” આવી સુંદર અભિવ્યક્તિ કરીને નિધીબેને આપેલી સંસારને વિદાય અને નિધીબેનના ભાઈઓ દ્વારા જીવનના સંભારણા સાથે સંવેદનાસભર ભાવોમાં અર્પણ કરેલી અહોભાવનાના દ્રશ્યો દરેક આંખને ભીંજવી ગયાં હતાં.
દીક્ષા લે તે ધન્ય, દીક્ષા લેવડાવે તે ધન્ય અને દીક્ષા લેનારની અનુમોદના કરે તે ધન્ય બની જાય પ્રભુના આ કથનને અનુસરતાં છેલ્લાં કેટલાંય દિવસથી અર્હમ્ યુવા સેવા ગ્રુપના ભાવિકો દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રોના અનાથાશ્રમો, પાંજરાપોળો, વૃદ્ધાશ્રમો, પછાત વિસ્તારોમાં ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, દર્દીને દવા અને ગરીબોને સહાય આપી હજારો જીવોની આંખના આંસુ લૂછતાં સત્કાર્યો કરવામાં આવી રહ્યાં છે ત્યારે પરમ સદભાગ્યે આપણને સહુને પણ દીક્ષાર્થી આત્માઓની અનુમોદના કરવાના પ્રાપ્ત થએલાં દીક્ષા મહોત્સવના આવતીકાલે 17મીએ સવારે 9:00 કલાકે સંયમ નર્તનમ્ના પાવન અવસરમાં જોડાઈ જવા એક યાદીમાં જણાવાયું છે.