યુવતી સહિત પાંચ શખ્સોની શોધખોળ
સાવરકુંડલાના બાઢડા ગામમાં રહેતા યુવાનનો મોબાઈલ પર પરિચય થયા બાદ એકલા મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ વાડીમાં મળવા ગયેલા યુવાનને પાંચ શખ્સોએ મારકૂટ કરી અપહરણ કર્યું હતું. બિભત્સ સીડી વાયરલ ન કરવાની ધમકી આપી ૨૫ લાખની ખંડણી માંગી હતી. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકમાં જ એક મહિલા સહિત ખંડણીખોર ગેંગના પાંચ સાગ્રીતોને ઝડપી લીધા હતા. જયારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બાઢડા ગામે રહેતા કલ્પેશ ભીખાભાઈ સરધારા નામના યુવાન સાથે ખંભાળા ગામની પ્રવિણા પોપટભાઈ સુસરા નામની મહિલાએ મોબાઈલ પર પરિચય કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ પ્રવિણાએ કલ્પેશને મળવા બોલાવ્યો હતો. જેથી પ્રેમમાં પાગલ કલ્પેશ કાર લઈને સાવરકુંડલા પહોંચ્યો હતો. ત્યારબાદ પ્રવિણા અને કલ્પેશ કારમાં બાઢડાની સીમમાં આવેલી પોતાની વાડીએ પહોંચ્યા હતા. પ્રેમી યુગલ પ્રેમાલાપમાં મગ્ન હતું ત્યારે જ પ્રવિણાની બહેન રેખા, ધાના આલસુર ગુજરીયા, ઈમ્તીયાઝ ઉર્ફે પોપટ જાદવ બ્લોચ ધસી આવ્યા હતા અને તું અહીં શું કરશ કહીને કલ્પેશને માર માર્યો હતો.
આ ઉપરાંત કલ્પેશ અને પ્રવિણાના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ગેંગે ૫૦ લાખ રૂપિયાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કલ્પેશે ૫૦ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થાય તેવું કહેતા જ આરોપીઓએ કલ્પેશની કારમાં જ તેનું અપહરણ કરી લીમધ્રા ગામે રહેતા દિનેશ દેવજી ડાભીની વાડીએ લઈ ગયા હતા અને મારકૂટ શરૂ કરી હતી. અંતે મામલો ૨૫ લાખમાં નકકી થયો હતો. જેથી કલ્પેશે અમદાવાદ રહેતા તેના મોટાભાઈ અશ્ર્વિનીને ફોન પર સમગ્ર વિગતથી વાકેફ કર્યો હતો.
પોલીસે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું અને લીમધ્રા ગામેથી કલ્પેશને મુકત કરાવ્યો હતો. પોલીસે સાવરકુંડલાના ભીખુ કરમટા, ધના ગુજરીયા (વિસાવદર), દિનેશ ડાભી (લીમધ્રા), શબ્બીર મોરી (લીમધ્રા) અને પ્રવિણ સુસરા (ખંભાળા)ની ધરપકડ કરી હતી. આ બનાવમાં ઈમ્તીયાઝ જાદવ બ્લોચ, અફઝલ બોદુ મંધરા, નાસીર રાયમલ શેખ, સોયબ રહીમ ફુલછેડા અને રેખા વિરમ મેવાડાની શોધખોળ હાથ ધરી છે.