હિતેશ રાવલ, સાબરકાંઠા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિને રાજયભરમાં વિભિન્ન કામગીરી કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠાની આગવી ઓળખ ધરાવતી હિંમતનગર નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર, વોર્ડ વાઈઝ ચૂંટાયેલા કાર્પેારેટરો અને સંગઠનની ટીમ દ્વારા “સ્વચ્છ-સ્વસ્થ હિંમતનગર, કલીન હિંમતનગર” અને સ્માર્ટ સીટીના સંકલ્પ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો છે.
આ પ્રસંગે સંગઠનના પ્રમુખ જે.ડી.પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, કૌશલ્યાકુંવરબા, મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ અને વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સ્ટાફગણ ઉપસ્થિત રહીને નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ બપોરે ૨ કલાકે ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કુલ ૯ વોર્ડમાં કુલ ૮૨ બુથ છે તે બુથ પ્રમાણે સફાઇ અભિયાનમાં ૩ કર્મચારીઓ સફાઇ ટીમ દ્વારા દવાનો છંટકાવ, સફાઇ, જનજાગૃતિ, લોકોની સમસ્યાનું નિરાકરણ, ડોર ટુ ડોર કચરાનું કલેકશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી તેમના વિઝન અને મિશનને બિરદાવ્યું હતું અને પંડિત દિન દયાલની છેવાડાના માનવીની સુખાકારીની વિચારધારાની સરાહના કરી હતી. આ ઉપરાંત હિંમતનગર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા જન અભિયાનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ અભિયાન કાયમ ચાલવું જોઇએ તેવી નેમ વ્યકત કરી હતી. હિંમતનગર નગરપાલિકાનું મોડૅલ સ્વચ્છતામાં સરકારે સ્વીકારીને બીજી નગરપાલિકામાં લાગુ કર્યુ છે. તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સર્વજન સુખાય સર્વજન હિતાયના કાર્યો કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સંગઠનના પ્રમુખ જે.ડી.પટેલે સ્વચ્છતા માટેની શરૂઆત પોતાના ઘર, મોહલ્લા-ગલીથી કરવા સૌને આહવાન કર્યુ હતું અને હેપ્પીનેશ ઇન્ડેક્ષ વધારવા સૌ નગરજનો સાથે મળી કાર્ય કરશે તો આપણુ નગર સ્વચ્છ-સુંદર અને હરીયાળુ બનશે. નગરપાલિકાના પ્રમુખ યતિનબેન મોદીએ સૌને આવકારી આ અભિયાનમાં સૌનો સાથ મળે અને સહિયારા પ્રયાસથી નગરને સુંદર બનાવવા સ્વચ્છ બનાવવા સૌ શપથ સાથે સંકલ્પ કરીએ તેમ જણાવ્યુ હતું.
સ્વચ્છતા મિશન કન્વીનર જીનલબેન પટેલે સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા અંગે તેમજ સુકા-ભીના કચરો, પ્લાસ્ટીકનો ઉપયોગ તેમજ મેડિકલ વેસ્ટથી થતા નુકશાન અને લોકોના સ્વાસ્થય પર થતી અસરો અને રીસાઇકલીંગ વેસ્ટ અંગે વિસ્તૃત સમજ આપી હતી અને આ પ્રસંગે વિજયભાઇ પંડ્યાએ પણ પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ, સફાઇ કામદાર, કોર્પેારેટરો, સંગઠનના હોદ્દેદારો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને નિહાળ્યુ હતું.