શરદી, ઉધરસ, તાવ, કળતર જેવી તકલીફ હોય તો તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈનફલુ ફેલાવતા એચ-૧ અને એન. ૧ વાયરસને અનુકુળ હવામાન મળી જતા આ જીવલેણ રોગચાળો ચરમસીમાએ પહોચી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં જ રાજકોટની હોસ્પિટલમાં ૩ અને જામનગરમાં ૧ સહિત ચાર દર્દીઓનાં મોત નિપજયા હતા. તોબીજી તરફ અત્યારે સારવાર લઈ રહેલા ચાર દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે મહત્વનું છે કે સમગ્ર રાજયમાં સ્વાઈન ફલુ ને લઈ ૨૫ થી વધુ લોકોના મોત થયા છે.
જયારે ચારમાસમાં ૧૫૮ કેસ સ્વાઈન ફલુના નોંધાયા છે. જેમાં ૪૨ના મોત થયા.મહત્વનું છે કે રાજકોટના દોઢસો ફૂટ રીંગરોડ પર જય ખોડીયાર સોસાયટી શેરી નં.૨માં રહેતા ૨૭ વર્ષિય યુવતી સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ યુવતીને સ્વાઈન ફલુના લક્ષણો ગત તા.૯ના દેખાયા બાદ તા.૧૩ તીવ્ર બનતા હોસ્પિટલે ખસેડાઈ જયાં તા.૧૪ના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઉપરાંત જૂનાગઢના અક્ષરવાડી ખાતે રાજમોતી સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષિય પ્રૌઢનું માણાવદર તાલુકાના બુરી ગામના ૬૦ વર્ષિય મહિલાનું જયારે જામનગરની હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા દાખલ કરાયેલ અને જામનગરનાં દિગ્વિજયપ્લોટ વિસ્તારમાં શંકર ટેકરા માર્ગ પર રહેતા ૪૫ વર્ષિય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતુ.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રની સાથે અમદાવાદમાં પણ સ્વાઈન ફલુનો કહેર વર્તાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આંકડાકીય માહિતી પ્રમાણે જાન્યુ.૧ થી ૨૦ દરમિયાન સ્વાઈન ફલુના ૬૦ કેસ નોંધાયા. જેમાં ૩૩ રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું જેમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે નવેમ્બર-ડિસેમ્બરમાં સ્વાઈન ફલુનો કહેર થોડો ઓછો થયો હતો.
પરંતુ જાન્યુઆરીનાં ફરી સ્વાઈન ફલુએ માથુ ઉંચકયું છે.આ અંગે વધુ જણાવતા બી.જે.મેડીકલ કોલેજના હેડ ઓફ મેડીસીન ડો.કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું છે. કે એક અભ્યાસ પ્રમાણે ૮૦ ટકા લોકો સ્વાસ્થ્ય બિમારીઓથી પીડાય છે. તેમાં પણ વરસાદ અને ઠંડીના મહિનાઓમાં વિવિધ તાવના કેસ વધી જાય છે. અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે સામાન્ય તાવ આવે તે તુરંત જ ડોકટરની સલાહ લેવી. ઘરગથ્થુ ઉપચારો ટાળવા સરકારી હોસ્પિટલોમાં તેની નિ:શુલ્ક દવાઓ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુથી મોત થનાર લોકોમાં ૯૦ ટકાથી વધુ દર્દીઓ ૫૫ થી વધુ વયના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ મેતા જણાવે છે કે સ્વાઈન ફલુને કંટ્રોલમાં લેવો હોય તો શરદી, કફ, ઉધરસ, શરીરમાં કળતર થતી હોય તો તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો આ સાથે સલામતીના ભાગરૂપે સમુહમાં ભેગા ન થવું આ સાથે વયોવૃધ્ધ, પ્રૌઢ, બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફલુ ઈન્ફેકશનનું વધારે જોખમ રહેલુ છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં જાગૃતિના અભાવે સ્વાઈનફલુના કેસમાં વધારો થઈ રહ્યો છે. માટે સ્વાઈન ફલુના કહેરથી બચવા થિયેટરો, ભીડવાળી જગ્યાએ નહી જવા અનુરોધ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા એક મહિનાથી સ્વાઇન ફ્લૂ એ માજા મુકી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા સ્વાઇન ફ્લૂ ના કારણે છેલ્લા એક સપ્તાહ મા બે ના મોત થયા છે થોડા દિવસ પહેલા ધાગધ્રા મા સ્વાઇન ફ્લૂ ના કારણે મુન્ના ભાઈ નામ ના આધેડ નું અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂ ના કારણે અવસાન થયું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના જોરાવર નગર ના પૂર્વ કોર્પોરેટર અંજના બેન ત્રિવેદી ને થોડા દિવસ પહેલા તાવ અને સ્વાઇન ફ્લૂ ના લક્ષણ દેખાતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ મા ખસેડવા મા આવીયા હતા.
જોરાવરનગર ના અંજના બેન ત્રિવેદી ને સામાન્ય તાવ બાદ અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે ૨૧મીએ તેમનું મોત થયું હતું. આરોગ્ય વિભાગની ટીમે ધસી જઇ સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. જોરાવરનગરની મહિલાને ૪-૫ દિવસથી સામાન્ય તાવ, ગળામાં દુખાવાની તકલીફ થતાં સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં સ્વાઇન ફલૂ હોવાનું બહાર આવ્યું હતું. સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે ૬ ટીમ બનાવી મૃતકના સગા-વ્હાલા, પરિવારજનો સહિતનાઓને ટેમી ફલૂની દવા આપી સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ હતી.