ત્રિદિવસીય ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ: સંતોના હસ્તે અગ્નિનારાયણનું પુજન અને અગ્નિ સ્થાપન
સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની મંગલ ઉપસ્થિતિમાં એસજીવીપી ગુરૂકુલ-સવાનાહ, અમેરીકા ખાતે તૈયાર થયેલ સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગલ આરંભ થયો. સનાતન મંદિરમાં બિરાજીત થનારા દેવોની પ્રાણ પ્રતિષ્ઠાના એક મહત્વના ભાગરૂપે ત્રિદિનાત્મક ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનો ધામધુમથી આરંભ કરવામાં આવ્યો છે.યજ્ઞના મંગલ આરંભે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા ઉપઅધ્યક્ષ સ્વામી બાલકૃષ્ણદાસજીએ ભગવાનની મહાનિરાજન કરી અગ્નિનારાયણનું પુજન કર્યું હતું. વૈદિક વિધિથી પુજાએલા અગ્નિનારાયણની ધામધુમથી અગ્નિયાત્રા કાઢવામાં આવી હતી. ભગવદ કીર્તન સાથે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભકતજનો અગ્નિયાત્રામાં જોડાયા હતા. વિદ્ધાન વિપ્રો દ્વારા થયેલા વૈદિક મંત્રોના ગાન સાથે યજ્ઞશાળામાં પ્રવેશ કરવામાં આવ્યો છે. સદગુરુ સંતોના હસ્તે અગ્નિનારાયણનું પુજન, અગ્નિસ્થાપન અને પ્રથમ પૂજન કરવામાં આવ્યું.
આ પવિત્ર પ્રસંગે મહાવિષ્ણુયાગનો લાભ લેવા માટે સવાનાહ તેમજ અમેરીકાના વિવિધ વિસ્તારમાંથી પધારેલા ભકતજનોએ વિશાળ સંખ્યામાં કુંડે કુંડે સજોડે બિરાજી આહુતિઓ આપીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. મૂર્તિ પ્રતિષ્ઠાના ભાગરૂપે દેવોનો જલાધિવાસ, ધાન્યાધિવાસ, સ્નપનવિધિ તેમજ અનેકવિધ વૈદિક વિધી સાથે યજ્ઞ કાર્ય સંપન્ન કરીને ઠાકોરજીની નગરયાત્રા કરવામાં આવી હતી. આ યજ્ઞશાળાના નિર્માણનાં સેવાકાર્યમાં યુ.કે.ખાતે નિવાસ કરતા એસજીવીપી ગુરુકુલના સભ્યોને યાદ કરીને પૂજય સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ યજ્ઞ તથા પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો ભાગ લઈ રહ્યા છે. મહોત્સવના વિવિધ વિભાગોમાં ભાઈ-બહેનો ઉત્સાહથી સેવા બજાવી રહ્યા છે.