રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે જન્મભૂમિ ચોટીલા ખાતે અંતિમ કૃતિ આધારિત ‘સોરઠી સંતવાણી’-પ્રાચીન ભજનોના ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મનું 4 જુલાઈ રવિવારે સાંજે 5 કલાકથી ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279) સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.
ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ દ્વારા ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત કરાશે. ભજનિક-સંશોધક-લેખક ડો. નિરંજન રાજ્યગુરુ ઈશ્વરપ્રેમી અને સેવાભાવી સંત-કવિઓ અને એમની અમરવાણીનું માહિતીસભર-રસપ્રદ આચમન કરાવશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે.
ગોરખનાથ, કબીર, રૈદાસ, મીરા, હરજી ભાટી, જેસલ-તોરલ, દેવાયત પંડિત, મૂળદાસ, ભવાનીદાસ, રવિભાણ સંપ્રદાયના ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, દાસ હોથી અને દાસી જીવણ, લખીરામ, લખમા માળી, સતી લોયણ, રામૈયા, ગંગા સતી, જેઠીરામ, કાજી મહમદશાની સંતવાણી રજૂ થશે. વાગે ભડાકા ભારી ભજનના, વીજળીને ચમકારે, મેરૂ તો ડગે, પાપ તારું પરકાશ જાડેજા, જેસલ કરી લે વિચાર, રોઈ રોઈ કેને સંભળાવું, સાધુ તેરો સંગડો, જીયો વણઝારા, ગુરુ તારો પાર ન પાયો, અજરા કાંઈ જર્યા નહીં જાય, કલેજા કટારી, મારે પૂરવની છે.
રાષ્ટ્રીય શાયર મેઘાણીની 1રપમી જન્મ જયંતિ વર્ષ નિમિતે તેઓની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણી’ના પ્રાચીન ભજનોના ઓનલાઇન કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, લલીતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ દ્વારા પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજુઆત કરાશે
પ્રીત્યું રે, બાણ તો લાગ્યાં જેને, કોણે બનાવ્યો પવન ચરખો, તમે મારી સેવાના શાલીગરામ, છયેં રે દુખિયાં અમે નથી સુખિયાં, મેં તો સધ રે જાણીને તમને સેવિયાં, જેને દીઠે નેણલાં ઠરે, બેની મુને ભીતર સદગુરુ મળિયા, મોર તું આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો, મન માંયલાની ખબરું લાવે રે, ભલો રે ભલો રાજા ગોપીચંદ, સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, પેલા પેલા જુગમાં રાણી જેવાં આજે પણ લોકમુખે રમતાં લોકપ્રિય ભજનો રજૂ થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમનાં રચિત શૌર્ય-દેશપ્રેમનાં ગીતોનો કાર્યક્ર્મ ‘કસુંબીનો રંગ‘ તથા સંશોધિત-સંપાદિત લોકગીતો-રાસ-ગરબાનો કાર્યક્ર્મ ‘રઢિયાળી રાત‘નું આયોજન પણ જુલાઈ-ઑગસ્ટમાં થનાર છે.
અંતિમ કૃતિ : ‘સોરઠી સંતવાણી’
‘લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં 104 પ્રાચીન ભજનોના સંગ્રહ ‘સોરઠી સંતવાણી’નું લેખન-કાર્ય પૂર્ણ થયું ને 50-પાનાંના પ્રવેશકના પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં, તેને બીજે દિવસે 9 માર્ચ 1947ના રોજ 50 વર્ષની વયે ઝવેરચંદ મેઘાણીનું બોટાદ ખાતે નિધન થયું.
આ પુસ્તક એમની પહેલી માસિક પુણ્યતિથિ 9 એપ્રિલ 1947એ પ્રગટ થયું. અવસાન પહેલાના છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. કહે છે કે છેલ્લે પોતે નવાં કાવ્યો લખતા નહોતા, કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા.
સાદીસીધી, ધીરગંભીર બાનીમાં 12 જેટલા ઈશ્વરપ્રેમી, સેવાભાવી અને બિનસંપ્રદાયી સંતોના જીવન તથા કવનને નિરૂપતી બેલડી કૃતિઓ ‘સોરઠી સંતો’ (1928) અને ‘પુરાતન જ્યોત’ (1938) પણ અગાઉ પ્રગટ થઈ હતી.