ગાંધિ નિર્વાણ દિન નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું આયોજન: લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નિલેશ પંડયા અને પંકજ ભટ્ટ સુરો રેલાવશે
૩૦ જાન્યુઆરીને બુધવારે – ગાંધી નિર્વાણ દિન – શહીદ દિન નિમિત્તે સવારે ૯.૦૦ કલાકે, રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા પ્રાંગણ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોનાં ‘સ્વરાંજલિ તેમ જ સામૂહિક ‘મૌનાંજલિનાં ભાવાંજલિ કાર્યક્રમ ‘ઘાયલ મરતા મરતા રે’, માતની આઝાદી ગાવેનું આયોજન સતત નવમા વર્ષે થઈ રહ્યું છે. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક લાગણીસભર સંસ્મરણો રાજકોટ સાથે છે તેથી ૧૫૦મી વર્ષ અંતર્ગત આ કાર્યક્રમનું સવિશેષ મહત્વ છે.
૩થી ૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ ‘તપોભૂમિ રાષ્ટ્રીયશાળા ખાતે ઉપવાસ કરેલા જે ખાસ ઉલ્લેખનીય છે. આપણાં સ્વાતંત્ર -સંગ્રામ અને તેમાં આહૂતિ-બલિદાન આપનાર સ્વાતંત્ર-સેનાનીઓથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
સવારે ૯ થી ૧૧ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નીલેશ પંડ્યા અને પંકજ ભટ્ટ (સંગીતકાર) દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી ‘સ્વરાંજલિ અર્પણ થશે. કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો સો ઝોળી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રેજે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્ન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર રજૂ થશે.
સવારે ૧૧ કલાકે સાયરન વાગતા જ કાર્યક્રમને વિરામ આપીને શહીદોને સામૂહિક ‘મૌનાંજલિ અર્પણ થશે. દેશની સરહદોની રક્ષા તથા આંતરિક સુરક્ષા માટે શહીદ થનાર વીર-જવાનોને પણ વિશેષ અંજલિ અર્પણ થશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્રમને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ http://eevents.tv/meghaniપર થશે.