નદીઓનો ત્રિવેણી સંગમ, ચેકડેમ, નાની પહાડીઓ, વૃક્ષોની વનરાજી વચ્ચે પ્રવાસીઓ માણે છે નિજાનંદનો લ્હાવો….

અમરેલી જિલ્લાના કુદરતી, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધયાત્મિક પ્રવાસન સ્થળોમાં વધુ એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળ એટલે કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં અમરેલીના ધારી તાલુકાના લાખાપાદર મુકામે આવેલ 300 વર્ષથી પણ વધુ જૂનું સ્વંયભૂ  બુઢેશ્વર મહાદેવનું મંદિર. લાખાપાદર ગામની ચારેય બાજુ વનરાજી છે. અહીં નાની-મોટી પહાડીઓ પણ  છે. સ્વંયભૂ શ્રી બુઢેશ્વર મહાદેવના મંદિરે શેલ, ગૌમુખી અને અન્ય એક નદીનો ત્રિવેણી સંગમ છે, જેનું ભક્તજનોમાં અનેરું મહાત્મય છે. તેનાથી નજીકમાં ખોડીયાર જળાશય છે, ઉપરાંત ગળધરા ખાતે પ્રસિદ્ધ શ્રી ખોડીયાર માતા બિરાજે છે.

IMG 20220824 WA0074

સ્વંયભૂ  બુઢેશ્વર મહાદેવના મંદિરના ઈતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, આ મંદિર 300 વર્ષથી વધુ જૂનું મંદિર છે. અમરેલીના નેસડી ગામના વતની સોજિત્રા પટેલ ભાઈને એક વખત (ત્રણસો વર્ષ પૂર્વે)  શિવજી સપનામાં આવે છે. શિવજીએ તેમને સપનામાં લાખાપાદર મુકામે જગ્યા બતાવી અને કહ્યુ કે, શિવલિંગ આ જગ્યાએ જાળ નામના વૃક્ષના ખાખવામાં નીચે ધરબાયેલું છે.

તે શિવલિંગને બહાર કાઢીને ત્યાં મહાદેવનું મંદિર ત્યાં બનાવ અને તારા પોતાના ખેતરમાં તારા નસીબનો ચાંદીથી ભરેલો ઘડુલો (લોકો તેને માયા મળી એવું કહેતા હોય છે.) છે, જે તું મારી બતાવેલ જગ્યાએથી કાઢી લેજે. ત્યારબાદ પટેલભાઈએ સપનામાં આવેલ શિવજીની આસ્થાએ બતાવેલ જગ્યાએથી શિવલિંગને બહાર કાઢીને એ જ જગ્યાએ પોતાને મળેલી માયામાંથી સ્વંયભૂ શ્રી બુઢેશ્વર શિવજી મહારાજનું મંદિર બનાવ્યું છે. આજે આ મંદિરના  300 વર્ષ થયાં છે અને ત્યાં હવે

બાંધકામને નવું સ્વરુપ પણ આપવામાં આવ્યું છે. અહીં અનેક લોકો દર્શનાર્થે પધારી રહ્યા છે. આ વિસ્તારમાં વાતાવરણ સંપૂર્ણ રીતે ભક્તિમય હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. મંદિરના પુજારી શ્રી મહેશપુરી ગોસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, અમારી અત્યારે આ 10 મી પેઢી છે અને આ મંદિરની માલિકી અમારી પોતાની છે. અહીં અમે પુજા પાઠ સાથે આ મંદિરનું સંચાલન પણ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.