સ્વનિધિ મહોત્સવ અંતર્ગત મેયર ડો.પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
ભારતની આઝાદીના 75માં વર્ષે તેના સુવર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણીનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહયું છે. શેરી ફેરિયાઓ એ ભારતના આર્થિક વિકાસ માટેનો એક જરૂરી ભાગ છે. જેથી, કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત દેશના 75 શહેરોમાં “સ્વનિધિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ આયોજન અંગે વિસ્તૃત પરામર્શ કરવા માટે આજે માન. મેયરશ્રી ડો. પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, ઉપરાંત સેનિટેશન કમિટીનાં ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિનાં ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડિયા, એસ્ટેટ કમિટીનાં ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, વગેરે ઉપસ્થિત રહયા હતાં.મેયર ડો. પ્રદિપ ડવે એમ જણાવ્યું હતું કે, શેરી ફેરિયાઓને વ્યવસાય માટે બેંક લોન આપવા માટે કેન્દ્ર સરકારશ્રીની “પીએમસ્વનિધિ યોજના”નું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલીકરણ કરવામાં આવી રહયું છે. આ યોજનાથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓને ઓળખી તેઓની નાણાંકીય શિસ્ત અનુસાર તેઓને સન્માનિત કરવા તેમજ અન્ય લાભાર્થીઓને “પીએમસ્વનિધિ” અને “ઉઅઢ-ગઞકખ”ના લાભાર્થીઓ માટે લોન મેળાનું આયોજન તેમજ શેરી ફેરિયાઓના પરિવારજનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ હરિફાઈ સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ “સ્વનિધિ મહોત્સવ” અંતર્ગત તા.27 ના રોજ યોજાનાર એક મુખ્ય કાર્યક્રમ તેમજ એ પહેલાના દિવસોમાં યોજાનાર અન્ય વિવિધ કાર્યક્રમોનાં સફળ સંચાલન માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓની જવાબદારીઓ અંગે છણાવટ કરી હતી, અને તેમાં જુદીજુદી સમિતિઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.