રાજકોટ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. ત્યારે છેલ્લા 36 કલાકમાં સ્વાઇન ફ્લૂથી છના મોત નીપજ્યા હતા. છના મોતને કારણે મૃત્યુઆંક 138 થયો છે. ગઇકાલે સવારે પોરબંદર પંથકની 3 વર્ષની બાળકી અને મૂળી પંથકના ૪૫ વર્ષીય આધેડના મોત નીપજ્યા હતા. જ્યારે બપોર બાદ કચ્છના ૫૫ વર્ષીય પુરૂષ અને અમરેલીના ૧૮ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. આજે જૂનાગઢના ૩૫ વર્ષીય મહિલા અને જામનગરના ૬૦ વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં દાખલ પોરબંદરના કાટેલા ગામની ૩ વર્ષની બાળકીનું રાત્રીના મોત નીપજ્યું હતું. આ બાળાને ૧૮મીએ દાખલ કરાઇ હતી અને રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. આ ઉપરાંત મૂળીના સરા ગામના ૪૫ વર્ષના આધેડનું પણ મોત થયું હતું. તેને ૧૬ મીએ દાખલ કરાયા હતાં અને રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો હતો. હવે સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૪ દર્દીઓ દાખલ છે. ગઇકાલે બે દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી.