એસજીવીપીના સ્વામીને ‘રીકગ્નિશન ફોર હ્યુમેનિટેરીયન સર્વિસ’ સન્માન પત્ર અર્પણ
ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ લોર્ડ જીતેશ ગઢિયાના ભાવપૂર્ણ નિમંત્રણને માન આપી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી ગ્રેઇટ બ્રિટેનના પાર્લામેન્ટ ભવનમાં આવેલ હાઉસ ઓફ લોડ્ર્સ ખાતે પધાર્યા હતા. અહીં સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વામીનું સન્માન કરતા હાઉસ ઓફ લોડ્ર્સના પ્રતિનિધિ લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું કે, સ્વામી સમગ્ર માનવજાતના હિત માટે એસજીવીપીના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ સેવાકાર્યો નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે.
આજથી એક વર્ષ પહેલા સ્વામીજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું હતું ત્યારથી જ અમારા હૃદયમાં હાઉસ ઓફ લોડ્ર્સ ખાતે સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવાનો ભાવ હતો. રીકગ્નિશન ફોર હ્યુમેનિટેરીયન સર્વિસ સન્માન પત્ર અર્પણ કરી એ સંકલ્પ પૂર્ણ કરતા અમને આનંદ થાય છે.
આધ્યાત્મિક ઉત્થાન તેમજ વિવિધ ધર્મો વચ્ચે સમન્વય સાધવા માટે પણ સ્વામી પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાલતા આ સેવાકાર્યોથી સેંકડો વ્યકિતઓ પ્રભાવિત થયા છે.
સન્માન પત્ર સ્વીકારતા સ્વામીએ જણાવ્યું હતું કે, આ સન્માન પત્ર અમે ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી અને ગુરુકુલની સેવા-પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી સહકાર આપનાર ભાઇ-બહેનોને અર્પણ કરીએ છીએ, આ સેવાકાર્યોમાં અમે માત્ર નિમિત્ત છીએ.
વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ જેવી સહિષ્ણુ સંસ્કૃતિ બીજી કોઇ નથી. ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતાની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ માત્ર માનવની સેવા નથી શીખવતી, પ્રાણીમાત્રની સેવા શીખવે છે.
ગરવી ગુજરાતને વંદના કરતા સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતની અનોખી ગરિમા છે. ગુજરાતની ઉર્વરક ભૂમિએ વિશ્વને કૃષ્ણ-સુદામા, ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અને વર્તમાન સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેવા શ્રેષ્ઠ મહાપુરુષોની ભેટ આપી છે. બ્રિટેનને સમૃદ્ધ કરવામાં ભારતનું બહુમૂલ્ય યોગદાન છે. ઇતિહાસ એનો સાક્ષી છે.