મહારાજા સયાજીરાવ યુનિ.માં વેદાંત-વિદ્યાક્ષેત્રનાં વિશિષ્ટ પ્રદાનને વધાવતો અભૂતપૂર્વ સમારોહ યોજાયો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં ગુજરાત તથા અન્ય રાજયોની ૨૭ યુનિવર્સિટી દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્ધાન સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્ર્વવંદનીય સંતવર્ય પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામી ભદ્રેશદાસજી દ્વારા એકવીસમી સદીના આરંભે પ્રસ્થાનત્રયી પર ભાષ્યગ્રંથો રચાયા, જે આ સદીના વેદાંતદર્શનના ઈતિહાસની સૌથી વધુ મહત્વપૂર્ણ ઘટના છે, સ્વામી ભદ્રેશદાસજીએ નસ્વામિનારાયણ સિદ્ધાંત સુધાથ નામે વાદગ્રંથની પણ રચના કરી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે ઉપદેશ આપ્યો છે, તેને અનુસરીને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા જેવા શાસ્ત્રોના પ્રમાણો સાથે સંસ્કૃત ભાષામાં પરંપરાગત પ્રાચીન શૈલીમાં રચાયેલા આ ગ્રંથમાં નઅક્ષરપુરુષોતમદર્શનપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના અનેક વિદ્ધાનોએ તેમના આ કાર્યને યુગવર્તી ગણાવ્યું છે.આદિ શંકરાચાર્યજી પછી ૧૨૦૦ વર્ષ બાદ એક જ આચાર્ય દ્વારા ત્રણે પ્રસ્થાનો પર નૂતન તત્વદર્શન રજુ કરતા ભાષ્યોની રચના થઈ છે. વળી વેદાંત દર્શનમાં ત્રણે પ્રસ્થાનો પર ભાષ્ય રચનાર આચાર્ય દ્વારા જ સંપ્રદાયના વાદગ્રંથની રચના થઈ હોય તે ઈતિહાસની સર્વપ્રથમ ઘટના છે. આ રીતે સદીઓથી લુપ્ત થઈ રહેલી વેદાંતની શાસ્ત્રનિર્માણની પ્રક્રિયા આજના યુગમાં પુનજીવન પામી છે, એ સંસ્કૃત અને સંસ્કૃતિના ચાહકો માટેની ગૌરવપ્રદ ઘટના છે. ફકત સાંપ્રદાયિક દ્રષ્ટિથી નહીં, પરંતુ સંસ્કૃત ભાષા અને વેદાંત પરંપરાને પુષ્ટ કરનારી આ રચના સમગ્ર શૈક્ષણિક જગત માટે એક મહાન પ્રદાન હોવાથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ સ્વામી ભદ્રેશદાસજીનું સન્માન કરવાનું આયોજન કર્યું હતું. ગુજરાતની ભૂમિ પર આ મહાન સર્જન થયું હોવાથી ગુજરાતના આ ગૌરવને સન્માનવા ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હેમચન્દ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભકતકવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, ગોવિંદગુરુ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીના ૨૦થી વધુ વાઈસ ચાન્સેલર એકત્ર થયા હતા. આ ઉપરાંત તિ‚પતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ યુનિવર્સિટી તથા રાજસ્થાનની જગદગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ વિશિષ્ટ સન્માનપત્ર અર્પણ કરવા આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશની ડો.હરસિંહ ગૌર વિશ્ર્વ વિદ્યાલયના ચાન્સેલર બળવંત જાનીએ પણ આ પ્રસંગે સ્વામી ભદ્રેશદાસજીનું સન્માન કર્યું હતું.૨૭ યુનિવર્સિટીઓ આ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી હતી, જે એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસની અભૂતપૂર્વ ઘટના બની રહી. કાર્યક્રમના આરંભમાં વૈદિક મંત્રગાન બાદ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે ઉપસ્થિત સર્વે સંતો તથા વાઈસ ચાન્સેલરોનું સ્વાગત કરતા પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના પૂજય વિવેકસાગરદાસ સ્વામીએ સનાતન વૈદિક પરંપરામાં પ્રસ્થાનત્રયી ભાષ્યરચનાનું મહત્વ તથા ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોતમ દર્શનની છણાવટ કરતા વર્તમાનકાળે રચાયેલા ભાષ્યોનો ઈતિહાસ રજુ કર્યો હતો. ત્યારબાદ એમ.એસ.યુનિવર્સિટી સહિત ૨૦થી વધુ યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા આ યુગના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને તામ્રપત્ર પર અંકિત સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આ સિદ્ધિનો સમગ્ર યશ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંતસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કર્યો હતો.